દેશ-વિદેશ
News of Saturday, 25th June 2022

અમેરિકામાં ત્રીસ વર્ષમાં પ્રથવાર ગન ક્લચર માટે લેવામાં આવ્યા બે મોટા નિર્ણય

નવી દિલ્હી: અમેરિકામાં ગન કલ્ચર મામલે બે મોટા પણ વિપરીત નિર્ણય સામે આવ્યા છે. પહેલાં અમેરિકી સુપ્રીમકોર્ટે ગન રાખવાને મૂળભૂત અધિકાર ગણાવી ન્યૂયોર્કમાં હેન્ડગન પર પ્રતિબંધનો 100 વર્ષ જૂનો કાયદો રદ કરી દીધો. કોર્ટે કહ્યું કે જાહેર સ્થળોએ ગન લઇને જવું લોકોનો અધિકાર છે. બીજી તરફ આ ચુકાદાના ગણતરીના કલાકોમાં અમેરિકી સંસદે માસ શૂટિંગના સતત વધી રહેલા બનાવ રોકવા ગન કંટ્રોલ બિલ પસાર કરી દીધું. 30 વર્ષમાં પહેલીવાર ફાયરિંગથી થતી હત્યાઓ પર લગામ લાવવા ખરડો પસાર કરાયો છે. આ ખરડાની અમેરિકામાં લાંબા સમયથી માગ થઇ રહી હતી. હવે ખરડો હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિસભા) સમક્ષ મોકલાશે, જ્યાં પસાર થયો તો રાષ્ટ્રપતિ જો બાઇડેનની મહોર વાગશે. સંસદમાં ખરડો પાસ થવો એટલા માટે પણ રસપ્રદ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેનો વિરોધ કરી ચૂક્યા છે. તેથી એવી આશંકા હતી કે રિપબ્લિકન સાંસદો ખરડાની વિરુદ્ધમાં મતદાન કરશે પણ તે આશંકા ખોટી પડી. સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીના સૌથી વધુ 50 સાંસદ છે અને ખરડાની તરફેણમાં 65 મત પડ્યા. એટલે કે 15 રિપબ્લિકન સાંસદે પણ તરફેણમાં મત આપ્યો. અમેરિકામાં 1971માં બંધારણમાં બીજો સુધારો લાગુ કરાયો હતો, જે અંતર્ગત અમેરિકી નાગરિકોને હથિયાર રાખવાનો અધિકાર અપાયો હતો. પિયૂના રિપોર્ટ મુજબ 44% રિપબ્લિકન અને 20% ડેમોક્રેટ નેતાઓ પાસે બંદૂક છે. આ જ રીતે 39% પુરૂષો અને 29% મહિલાઓ પાસે બંદૂક છે.

(6:14 pm IST)