દેશ-વિદેશ
News of Tuesday, 25th June 2019

સરગવો તો ગુણકારી પણ તેના બીજ અને છાલ પણ ભારે ઉપયોગીઃ અભ્યાસમાં ખુલાસો

પ્રોટીનથી ભરપુર હોય છેઃ કોલેસ્ટ્રોલ-કેન્સરનું જોખમ ઘટાડેઃ ચામડી યુવાન રાખેઃ હાર્ટના રોગોમાં પણ ઉપયોગીઃ ડાયાબીટસ સામે રક્ષણ આપે સંતરા કરતાં ૭ ગણુ વધુ વીટામીન સી હોય છેઃ મેગ્નેશીયમથી ભરપુર હોય છે

રાજકોટ તા. રપ :.. ડ્રમસ્ટીક એટલે કે સરગવાના અગણિત ફાયદા છે તે સૌ કોઇ જાણે છે પણ તેના બી કે છોતરા પણ એટલા જ ગુણકારી હોવાનું માલુમ પડયું છે.

 

જુનાગઢ કૃષિ યુનિ. દ્વારા ૩ વર્ષના સંશોધન બાદ એવું જણાવ્યું છે કે સરગવાના બી પણ હૃદયરોગની બિમારી, ડાયાબીટીસ ની સારવારમાં ઉપયોગી છે એટલુ જ નહિ તે કેન્સરને રોકવામાં એન્ટી-ઓકસીડન્ટનું પણ કામ કરે છે.

આ યુનિ. દ્વારા થયેલા ઉંડા અભ્યાસમાં જણાવ્યું છે કે સરગવાના બી માં મોટા પ્રમાણમાં પ્રોટીન હોય છે, એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે. તેમાં સેપોનીન સહિતના તત્વો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત ચોકકસ પ્રકારના કેન્સર કે ટયુમરના જોખમને પણ ઘટાડે છે.

આસી. પ્રોફેસર ડો. શ્રધ્ધા ભટ્ટ જણાવે છે કે મહિલાઓને એ વાત જાણીને ખુશી થશે કે સરગવાના બી અને છાલ લીપીડથી લોડેડ હોય છે જે તે સીરામીડસ કહેવાય છે કે જે ચામડીને ચુસ્ત રાખે છે અને યુવાન પણ રાખે છે.બાયોટેકનોલોજી વિભાગના ડો. રૂકમસિંહ તોમરના કહેવા મુજબ એન્ટી ડાયાબીટીક ગુણધર્મ હોવાની સાથે સાથે તેના બીજ અને છાલથી વીઝન સુધરે છે, ફેફસા, કીડની અને બીજા અંગોનું કામકાજ પણ સુધરે છે.

(11:48 am IST)