દેશ-વિદેશ
News of Saturday, 25th May 2019

વેજી ચીપ્સ કે સ્ટીકસ પોટેટો ચીપ્સથી વધુ આરોગ્યપ્રદ છે ?

તમે તમારા અથવા તમારા બાળકના ખોરાકમાં વધારે શાકભાજી લેવા માંગતા હો અથવા આરોગ્યને ધ્યાનમાં રાખીને બટેટાની ચીપ્સને બદલે વેજી ચીપ્સ અથવા સ્ટીક લેવા માંગતા હો તો ન્યુટ્રીશન નિષ્ણાંતો તેને જંક ફુડથી વધારે કંઈ નથી ગણતા.

ઓહીઓ સ્ટેટ યુનિવર્સિટીના મેડીકલ સેન્ટરમાં સ્ટાફ ડાયેટીશ્યન તરીકે કામ કરતી લીઝ વેઈનેન્ટી કહે છે કે બાળકોમાં બહુ લોકપ્રિય એવી વેજી સ્ટીક બટેટાની ચીપ્સથી વધારે સારી નથી. તેમા બહુ ઓછા પ્રમાણમાં પાલક અથવા ટમેટાની પેસ્ટ નાખવામાં આવે છે જે તમારી દૈનિક જરૂરીયાતની શાકભાજી જેટલી નથી હોતી અને તેને તળવામાં તો આવે જ છે.

વેજી સ્નેકસની કેટલીક બનાવટોનું બંધારણ બટેટાનું જ હોય છે. ઘણીવાર તેમાં બટેટાનો સ્ટાર્ચ અથવા બટેટાનો લોટ મૂળ તત્વ તરીકે વપરાય છે. તેના ઈન્ગ્રેડીયન્ટ લીસ્ટમાં છેલ્લી એકાદ બે વસ્તુને બાદ કરતા બાકીના બધા નામ એ જ હોય છે. જે પોટેટો ચીપ્સમાં હોય છે એમ મેરીલેન્ડ યુનિવર્સિટીના રજીસ્ટર્ડ ડાયેટ્રીશ્યન અને ન્યુટ્રીશનીસ્ટ કેરોલીન મીહાનનું કહેવુ છે.

વેઈનેન્ડી કહે છે કે વેજી ચીપ્સ આરોગ્ય માટે ફાયદો કરે છે તેવુ તેના પેકેટ પર અને જાહેરાતોમાં દર્શાવાય છે પણ તે એક ભ્રમ છે. તેણી કહે છે કે ડીપ ફ્રાઈંગ નુકસાનકારક છે કેમ કે બટેટા અને તેના જેવી સ્ટાર્ચવાળી વસ્તુ જ્યારે તળવામાં આવે છે ત્યારે તેમાંથી એક્રીલેનાઈડ નામનો પદાર્થ નીકળે છે જે હૃદયરોગનું જોખમ વધારે છે.

યુસીએલએ ફીલ્ડીંગ સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થના આસી. પ્રોફેસર અને ડાયેટીશ્યન દાના હ્યુનેસ કહે છે કે શાકભાજીનો પોષણ અંગેનો લાભ તમે તેને ઉકાળીને, બાફીને અથવા શેકીને ખાવ તેમાં જ મળે છે. ટેરા નામની બ્રાન્ડ જાત જાતની વેજીટેબલ ચીપ્સ બનાવે છે. તેનાથી ફકત એટલો જ લાભ થાય છે કે તેમા સોડીયમ થોડું ઓછુ હોય છે અને ફાઈબર થોડા વધારે હોય છે.

મીહાનની સલાહ એવી છે કે જ્યારે તમે વેજી ચીપ્સ અથવા વેજી સ્ટીકની પેકેટ ખરીદતા હો ત્યારે એવું પેકેટ પસંદ કરો જેમાં ઈન્ગ્રેડીયનના લીસ્ટમાં શાકભાજીનું નામ પહેલુ અથવા બીજુ આવતુ હોય. ઉપરાંત તેના કહેવા અનુસાર જે પેકેટના ઈન્ગ્રેડીયન્ટમાં સોડીયમ ૨૦૦ એમજી કરતા ઓછુ હોય અને ઓછામાં ઓછા થોડાક ગ્રામ ફાઈબર હોય તેવુ પેકેટ ખરીદવુ જોઈએ. (ટાઈમ હેલ્થમાંથી સાભાર)

(3:07 pm IST)