ન્યૂયોર્કમાં થયા વિન્ડો - વેડિંગ : ચોથા માળની બારીમાં ઊભા રહી પાદરીએ કરાવ્યા લગ્ન
ન્યુયોર્કના મકાનમાં ચોથા માળે રહેતા પાદરીમિત્ર વિલ્સને મિત્ર યુગલ રેલી જેનિંગ્સ અને અમાન્ડા વ્હિલરને રસ્તા પર ઊભાં રાખીને લગ્નવિધિ કરાવી હતી.ઙ્ગલગ્નનું મુહૂર્ત સચવાય અને કોરોના વાઇરસના રોગચાળાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાય એ માટે મિત્રવર્તુળોએ અનોખી વ્યવસ્થા કરી હતી. ગયા ગુરૂવારે ન્યુ યોર્કના સિટી મેરેજ બ્યુરોમાંથી મેરેજ લાઇસન્સ મેળવ્યા પછી બીજા દિવસે બન્નેએ ધાર્મિક-સમાજિક વિધિ કરી હતી.
આ દંપતીએ ગયા ઓકટોબર મહિનામાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોરોના વાઇરસને કારણે સ્થિતિ વણસવાની શકયતાને ધ્યાનમાં રાખતાં એ કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. છેવટે ગયા ગુરુવારે બન્નેએ સિટી મેરેજ બ્યુરોમાંથી મેરેજ લાઇસન્સ મેળવ્યા પછી શુક્રવારે ધાર્મિક-સમાજિક વિધિ અને સગાં-મિત્રોના મિલનના કાર્યક્રમ માટે બ્યુરોમાં પાછાં આવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ન્યુ યોર્કના મેયર બિલ ધ બ્લાસિયોએ કોરોના વાઇરસના રોગચાળાને કારણે બ્યુરો બેમુદત બંધ રાખવાની જાહેરાત કરતાં એ દંપતી માટે મુશ્કેલી સર્જાઈ હતી. રેલી જેનિંગ્સ અને અમાન્ડા વ્હિલરે તેમના મિત્ર મેટ વિલ્સનની મદદ લીધી હતી. તેમણે મેનહટનના વોશિંગ્ટન હાઇટ્સના પાડોશના વિસ્તારમાં વિલ્સનના ઘરની બહારના રસ્તા પર ગોઠવણ કરી હતી. વિલ્સને ઘરની બારીની બહાર ઝૂકીને લગ્નની શપથવિધિના શબ્દો ઉચ્ચાર્યા અને બધી ઔપચારિકતા પૂરી કરી હતી. એ વખતે નવદંપતી રસ્તા પર ઊભું હતું.