દેશ-વિદેશ
News of Saturday, 24th July 2021

ચીને જાપાનને આપી પરમાણુ હુમલાની ધમકી

નવી દિલ્હી: ચીને જાપાનને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. ચીનની એક ટેલિવિઝન ચેનલમાં કોમ્યુનિસ્ટ પાર્ટીનો વીડિયો પ્રસારિત થયો હતો, જેમાં કહેવાયું હતું કે જાપાન તાઈવાન મુદ્દે દખલ કરશે તો સંખ્યાબંધ પરમાણુ બોંબ ફેંકીશું. ટેલિવિઝન ચેનલમાં પ્રસારિત થયેલા વીડિયોમાં ચીને ધમકી આપતા કહ્યું હતું કે તાઈવાન મુદ્દે જો જાપાન તેનું વલણ બદલશે નહીં તો તેના ઉપર સંખ્યાબંધ પરમાણુ હુમલા કરવામાં આવશે. ચીન પરમાણુ હુમલાની પહેલ કરશે અને જ્યાં સુધી જાપાનનો વિનાશ વેરાય ત્યાં સુધી પરમાણુ બોમ્બ ઝીંકીશું. જાપાનને ધમકી આપતા ચીને ઉમેર્યું હતુંઃ જાપાન ઉપર એક પછી એક એટલા બોમ્બ ફેંકીશું કે જાપાની સૈન્ય ચીન સામે ઘૂંટણીએ પડીને દયાની ભીખ માંગશે. બિનશરતી શરણાગતિ સ્વીકારશે પછી ચીન પરમાણુ હુમલા બંધ કરશે. વીડિયો ચીની પ્લેટફોર્મ શિગ્યુઆ પર ૨૦ લાખ લોકોએ જોયો હતો, પરંતુ થોડી કલાકો બાદ અચાનક વીડિયોને ડિલિટ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જાપાનના નાયબ વડાપ્રધાન તારો અસોએ એક નિવેદનમાં કહ્યું હતું કે તાઈવાનની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે જાપાને તૈયારી બતાવવી પડશે. જાપાન-અમેરિકાએ મળીને તાઈવાનનું રક્ષણ કરવું જોઈએ. જાપાનના નિવેદન પછી ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ પરમાણુ હુમલાની ધમકી આપી હતી.

(5:43 pm IST)