દેશ-વિદેશ
News of Saturday, 24th July 2021

બ્રાઝિલમાં કોરોનાનો રાફડો ફાટ્યો:24 કલાકમાં 1 લાખથી પણ વધુ કેસ સામે આવ્યા

નવી દિલ્હી: આખી દુનિયામાં કોરોનાનો કહેર ફરી વધવા લાગ્યો હોય તેવી રીતે ધડાધડ લોકો કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ખાસ કરીને બ્રાઝીલમાં કોરોનાનો મહાબોમ્બ ફૂટ્યો હોય તેવી રીતે 24 કલાકમાં 1,08,732 કેસ મળ્યા છે તો 1444 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે દુનિયામાં ડેલ્ટા અને ગામા વેરિયેન્ટે તરખાટ મચાવ્યો હોય તેવી રીતે 24 કલાકમાં 5.68 લાખ નવા કેસ તો 8899 લોકો મોતને ભેટ્યા છે. સાથે દુનિયામાં કોરોનાના કુલ કેસ 19.33 કરોડે પહોંચી ગયા છે અને 41.50 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમજ 17.57 કરોડ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. અમેરિકામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેવી રીતે 24 કલાકમાં 61651 નવા કેસ મળ્યા છે. હવે અહીં કોરોના વાયરસના કુલ કેસ 3.52 કરોડ થઈ જવા પામ્યા છે. એક દિવસમાં સૌથી વધુ મોતના મામલે બ્રાઝીલ અને ઈન્ડોનેશિયા સૌથી આગળ રહ્યા છે. બ્રાઝીલમાં 1444 અને ઈન્ડોનેશિયામાં 1449 લોકોના મૃત્યુ થયા છે.

(5:40 pm IST)