દેશ-વિદેશ
News of Saturday, 24th April 2021

ભારતન સંરક્ષણ દળ જર્મનીથી પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ કરવામાં આવશે એરલિફ્ટ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા અસાધારણ વધારાને કારણે ઑક્સિજનની સર્જાયેલી તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને ભારતના સંરક્ષણ દળે જર્મનીથી 23 પોર્ટેબલ ઑક્સિજન પ્લાન્ટ ઍરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. આ પ્રત્યેક પ્લાન્ટની ક્ષમતા પ્રતિમિનિટ 40 લિટર, પ્રતિકલાક 2400 લિટર ઑક્સિજનનું ઉત્પાદન કરવાની છે, એમ તેમણે કહ્યું હતું.

સંરક્ષણ ખાતાના મુખ્ય પ્રવક્તા એ. ભારતભૂષણ બાબુએ કહ્યું હતું કે કોરોનાના દરદીઓની સારવાર જ્યાં કરવામાં આવે છે એ આર્મ્ડ ફોર્સેસ મેડિકલ સર્વિસિસ (એએફએમએસ) ખાતે આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. એકાદ અઠવાડિયામાં આ પ્લાન્ટ જર્મનીથી ઍરલિફ્ટ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. વિદેશથી આ પ્રકારના વધુ ઑક્સિજન પ્લાન્ટ ઍરલિફ્ટ કરવામાં આવે એવી શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું.

(5:37 pm IST)