દેશ-વિદેશ
News of Tuesday, 24th March 2020

વોલમાર્ટમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો

ન્યુયોર્ક,તા.૨૪: જયારથી કોરોનાનો વાયરો વાયો છે ત્યારથી ટોઇલેટ પેપરની ડિમાન્ડ અમેરિકામાં ખૂબ વધી ગઈ છે. ગયા બુધવારે અમેરિકાના મિસુરી સ્ટેટના સ્પ્રિન્ગફીલ્ડ શહેરની સનશાઇન સ્ટ્રીટમાં વોલમાર્ટના એક સ્ટોરમાં એક પ્રેગ્નન્ટ મહિલાએ ટોઇલેટ પેપરના વિભાગમાં ઊભી હતી ત્યારે અચાનક તેને પ્રસૂતિની પીડા ઊપડી હતી અને ત્યાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો. ભારતમાં જેમ ખેતરમાં કે સબર્બન ટ્રેનમાં ગર્ભવતી મહિલાઓને પ્રસૂતિ થવાની ઘટના ઘટે છે એવું જ કંઈક અમેરિકામાં બન્યું હતું. મહિલા ટોઇલેટ પેપરના વિભાગમાં હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પાણીનો ધોધ વછૂટ્યો અને સ્ટોર-મેનેજર જેસિકા હિન્કલ મદદ માટે દોડી ગઈ હતી. પ્રસૂતિની પૂર્વસૂચનારૂપે પેડુ નીચેથી પાણી છૂટ્યું ત્યારે એ મહિલાએ કહ્યું કે મારી છેલ્લી પ્રસૂતિ ૩૦ મિનિટની પીડા પછી થઈ હતી. સ્ટોરની અન્ય ગ્રાહક મહિલા મેટર્નિટી હોમની નર્સ હોવાથી તેણે ખિસ્સામાંથી ગ્લવ્ઝ કાઢ્યાં અને તાત્કાલિક સક્રિય થઈ ગઈ. સ્ટોર-મેનેજર જેસિકા હિન્કલ ઉપરાંત અન્ય મહિલાઓ પણ મદદે દોડી. અન્ય ગ્રાહક મહિલાઓએ પ્રસૂતિની પીડામાં પહોંચેલી મહિલાની ગુપ્તતા જાળવવા તેને ઘેરી લીધી. સ્પ્રિન્ગફીલ્ડના ફાયર-ફાઇટર્સ પણ નર્સને મદદ કરવા પહોંચી ગયા, પ્રસૂતિ સુખરૂપ થયા પછી જેસિકા તથા અન્ય મહિલાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. માતા અને બાળકને હોસ્પિટલમાં લઈ જવાયાં. મહિલા અને નવજાત બાળક હવે સ્વસ્થ છે.

(3:51 pm IST)