દેશ-વિદેશ
News of Friday, 23rd November 2018

પિતા શોર્પીગ કરવા ગયા ત્યારે એક વર્ષનો ભાઇ કેમેય છાનો રહેતો ન હોવાથી છ વર્ષની બહેને ગળું ટૂંપીને શાંત કરી દીધો

ટેકસસ તા.ર૩: અમેરિકાના ટેકસસ રાજયના હ્યુસ્ટન શહેરમાં રહેતા ૨૬ વર્ષના એડ્રિયન મિડલટન નામના ભાઇને સંતાનોના ઉછેરમાં બેદરકારી દાખવવા બદલ પોલીસ પકડી ગઇ હતી, પરંતુ લાંબી પૂછપરછ પછી તેને છોડી મૂકવામાં આવ્યો. વાત એમ હતી કે મે મહિનામાં એડ્રિયન પોતાનાં બે સંતાનોને લઇને ફરવા નિકળ્યો હતો. છ વર્ષની દીકરી અને એક વર્ષનો દીકરો તેની સાથે હતાં. તેને કેટલીક ચીજો ખરીદવાની હતી અને બંન્ને બાળકોને સાથે લઇને મોલમાં જાય તો ફાવે એમ નહોતું એટલે બંન્નેને પાર્કિંગમાં મૂકેલી કારમાં જ બેસાડી દીધાં. ભાઇને હશે કે છ વર્ષની દીકરી તેના ભાઇને સંભાળી લેશે. જોકે આ ભાઇને મોલમાંથી ચીજો ખરીદતાં એક કલાકથી વધુ સમય થઇ ગયો એ દરમ્યાન દીકરો રડવા લાગ્યો. બહેને તેને શાંત રાખવાની કોશિશ કરી, પણ તે કેમેય છાનો ન રહ્યો. કંટાળેલી છોકરીએ ભાઇને શાંત કરવા તેનું ગળું દબાવી દીધું. તેને એમ કે તે શાંત થઇ જશે તો ઊંઘી જશે, પણ ભાઇ ચિર નિદ્રામાં પોઢી ગયો. જયારે એડ્રિયન પાછો આવ્યો ત્યારે તેને લાગ્યું કે દીકરો ઊંઘી ગયો છે, પણ જયારે ઘરે પહોંચીને તેને કારમાંથી બહાર કાઢયો ત્યારે ખબર પડી કે દીકરો રહ્યો નથી. આ બાબતે લાંબો કેસ ચાલ્યો. પાર્કિંગમાં શું થયું એ વિશે છ વર્ષની દીકરીએ ખૂબ નિખાલસતાથી કહી દીધું. બાળકીની ઉંમર અને આશય જોતાં તેના પર કોઇ આરોપ નથી મૂકવામાં આવ્યો, પરંતુ પિતા પર બાળકો પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધાયો છે.

(11:19 am IST)