દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

લોસ એન્જલસમાં મળે છે મેટર્નિટી સેલડ, ખાધા પછી ઊપડે છે પ્રસવની પીડા

ન્યુયોર્ક તા.૨૩: પૂરા મહિના જતા હોય એવી મહિલાઓ અમેરિકાના લોસ એન્જલસના સ્ટુડિયો સિટીમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ખાસ સેલડ ખાવા અચૂક જાય છે. કહેવાય છે કે આ સેલડ ખાધા પછી ચાર જ કલાકની અંદર તેમને પ્રસવની પીડા ઉપડે છે. મોટા ભાગે જે મહિલાઓની ડિલીવરી ડીલે થઇ રહી હોય તેઓ ખાસ અહીં આવે છે. આ સેલડ કંઇ આજકાલનું નથી મળતું. છેલ્લાં ૩૦ વર્ષથી આ રેસ્ટોરાંની ખાસિયત છે. ૩૦ વર્ષ પહેલાં નવ મહિનાની પ્રેગનન્ટ મહિલા અહીં જમવા આવી અને અહીંથી તરત જ તેને હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવી પડેલી. ત્યારથી આ માન્યતા પ્રવર્તે છે. આ રેસ્ટોરાંમાં લગભગ ત્રણ પેઢીની સેલડની આ રેસિપી આગળ વધતી જાય છે, પણ કોઇ ફોડ પાડીને કહેતું નથી કે પ્રેગનન્ટ મહિલાઓને આપવામાં આવતા સેલડમાં શું નાખવામાં આવે છે. સેલડનાં પાન, વોલનટ્સ, ગોર્ગોન્ઝોલા ચીઝ અને ખાસ પ્રકારનાં હર્બ્સ એના પર છાંટવામાં આવે છે. સેલડ ખાવાથી પ્રસવની પીડા થાય છે એવું કયાંય સાબિત નથી થયું, પરંતુ લોકવાયકા પડી ગઇ છે. રેસ્ટોરાંવાળાનું કહેવું છે કે જે મહિલાઓને છેલ્લા દિવસો જઇ રહયા હોય તેઓ સામેથી આવીને આ સેલડ માગે છે અને અમે માત્ર એવી મહિલાઓને જ ખાસ હર્બ્સવાળું મેટર્નિટી સેલડ આપીએ છીએ. અત્યાર સુધીનો રેકોર્ડ રહયો છે કે પૂરા મહિના જતા હોય એવી મહિલાને આ સેલડ ખાધા પછી ૨૦ કલાકની અંદર પ્રસવની પીડા અચુક ઉપડી છે.

(3:37 pm IST)