દેશ-વિદેશ
News of Saturday, 23rd May 2020

ધંધામાં ટકી રહેવા માટે રેસ્ટોરાં હવે હેન્ડસમ અને અટ્રેકિટવ ડિલિવરીમેન રાખી રહ્યા છે

બેંગકોક તા. ર૩ : લોકડાઉનમાં હોટેલ્સ અને રેસ્ટોરાંને ઘણું નુકસાન થઇ રહ્યું છે ત્યારે થાઇલેન્ડના બેન્ગકોકની એક રેસ્ટોરાંએ ધંધામાં ટકી રહેવા માટે નવી તરકીબ શોધી લીધી છે. આમ તો લોકો એ રીતને શોભાસ્પદ ગણતા નથી, પરંતુ રેસ્ટોરાંના માલિકોએ એ રસ્તો અપનાવ્યો છે. થાઇલેન્ડના લાત ફરાઓ વિસ્તારની ૭૬ ગેરેજ નામની રેસ્ટોરાંમાં બહારથી જે ફુડ-ઓર્ડર આપવામાં આવે એની ડિલિવરી માટે જિગોલો જેવા કહી શકાય એવા અને કસાયેલી શરીર ધરાવતા તરવરિયા જુવાનિયાઓઅને નોકરીમાં રાખ્યા છે. પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાંં ૯૦૦ રૂપિયા અથવા એથી વધારે કિંમતના ફુડ-ઓર્ડરની ડિલિવરી માટે મહિલાઓ ફિદા થઇ જાય એવા મસલમેન રાખ્યા છે. બોડી બિલ્ડર જેવા જણાતા ડિલિવરી બોયઝની સાથે લોકો સેલ્ફી લે છે અને અન્યો પાસે ફોટો પડાવેછે. શર્ટના બટન ખોલીને લલચામણા સેકસી લુક સાથેના ડિલિવરી બોયઝના ફોટો સોશ્યલ મીડિયા પર ફરતા થયા છે. રેસ્ટોરાંની આ પદ્ધતિ વિવાદનો વિષય તો બની જ છે. સેકસી ડિલિવરી બોઝયને કારણે ફકત મહિલાઓ ૭૬ ગેરેજ રેસ્ટોરાંને વધારે ઓર્ડર આપે છે કે પછી દરેક ઉંમરના નર-નારી, નાન્યતર બધા ઓર્ડર આપે છે એ સ્પષ્ટ થયું નથી, પરંતુ એકંદરે રેસ્ટોરાંનો બિઝનેસ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. એ ડિલિવરી બોયઝને સારી રકમની ટિપ્સ મળે છે અને એ જુવાનિયાઓ મીઠી વાતો કરીને રેસ્ટોરાંના કાયમી ગ્રાહકોની સંખ્યા પણ વધારે છે. ૭૬ ગેરેજ રેસ્ટોરાંના ફેસબુક-પેજ પર એના સ્ટાફર્સના લાઇવ વિડીયો પણ પોસ્ટ કરવામાં આવે છે.

(2:39 pm IST)