દેશ-વિદેશ
News of Friday, 23rd March 2018

કિડની સાજીસમી રાખવી હોય તો સૂર્યનો તડકો વધુ લો

બાર્સેલોના તા.ર૩ : સુર્યનો તડકો ચોક્કસ માત્રામાં શરીરને મળતો રહે તો ત્વચા એમાંથી વિટામિન ડી બનાવી શકે છે. આ ક્રિયા કિડનીના સ્વસ્થ્ય માટે પણ જરૂરી છે. ઉંમરને કારણે કિડનીની કાર્યક્ષમતા ધીમે ધીમે ખોરવાય નહીં અથવા તો ખુબ નાની ઉંમરે જ ક્રોનિક કિડની ડિસીઝની શરૂઆત ન થઇ જાય એ માટે શરીરની રોજિંદી જરૂરીયાત મુજબનું વિટામીન ડી મળે એ જરૂરી છે. સ્પેનના નિષ્ણાંતોનું કહેવું છે કે, વિટામીન ડી ની ઉણપ બાળકોમાં ક્રોનિક કિડની ડિસીઝનું જોખમ વધારે છે. આ સમસ્યા શરૂઆતમાં એકદમ સાઇલન્ટ હોય છે, જે અચાનક જ વકરીને કિડની ફેલ્યરની નોબ નોતરી શકે છે. રિસર્ચરોએ ૧ર યુરોપિયન દેશોમાં ક્રોનિક કિડની ડિસીઝ ધરાવતા ૭પ૯ બાળકોનો અભ્યાસ કર્યો હતો. તેમનું કહેવું છે કે આ વિટામીનની ઉણપને કારણે શરીરમાંથી ટોકિસન દ્રવ્યોને બહાર ફેંકવાની ક્ષમતા ઘટે છે. એની કમી હાડકા નબળાં  પડવાની, કેન્સરનું જોખમ વધવાની અને રકતવાહિનીઓએ લગતી સમસ્યાઓને વેગ આપે છે. અમેરિકન સોસાયટી ફોર નેફ્રોલોજીની જર્નલમાં નોંધાયું છે કે, બાળપણમાં અને ખાસ કરીને શિયાળાના દિવસોમાં વિટામીન ડીની કમી વધુ થાય છે. જે નબળી કિડની ધરાવતાં બાળકો માટે  જોખમી ગાળો બની જાય છે.

(11:55 am IST)