દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

આ રેસ્ટોરામાં પીવા માટે ટોઇલેટનું પાણી અપાય છે

લંડન તા ૨૨  : કયાંક બહાર ખાવાપીવા જઇએ ત્યારે ત્યાંનુ પાણી કેવું હશે એની ચિંતાએ આપણે મિનરલ વોટરની બોટલ જ મંગાવવાનું પ્રીફર કરીએ. જોકે એક રેસ્ટોરા એવું છે જે સામેથી જાહેર કરે છે કે અહીં ટોઇલેટનું પાણી પીવામાં આપવામાં આવે છે. બેલ્જિયમના કુર્ને શહેરમાં આવેલી ગટ્સ યૂકસ નામની રેસ્ટોરા ગ્રાહકોને સિન્ક અને ટોઇલેટનું પાણી રિસાઇકલ કરીને આપે છે. એ માટે અહીં ખાસ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. ખાસ ટેકનિકનો પ્લાન્ટ પ્લસ વોટર પ્યોરિફાયર એમ બન્નેનો ઉપયોગ પાણી શુદ્ધ કરવા માટે થાય છે. રેસ્ટોરાંનો દાવો છે કે તેમને ત્યાં જે વોટર પ્યોરિફાયર લગાવવામાં આવ્યું છે એ નાળાના પાણીને પણ સાફ કરીને તેને પીવાલાયક બનાવી દે છે. એ પાણીમાં જરૂરી મિનરલ્સ પણ મોજુદ હોય છે. સોૈથી પહેલા, નાળા, સિન્ક કે ટોઇલેટના પાણીને ફર્ટીલાઇઝરના પ્લાન્ટમાં સાફ કરવામાં આવે છે. એ પછી એમાં વરસાદનું પાણી ઉમેરવામાં આવે છે. આ પાણીને પીવા લાયક બનાવવા માટે વોટર પ્યોરિફાયરમાંથી પસાર કરવામાં આવે છે અને એ પછી એ ખુબ શુદ્ધ થઇ જતું હોવાનો દાવો થઇ રહ્યો છે.

(3:24 pm IST)