દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

હોંગકોંગમાં ૪ બેડરૂમવાળો બંગલો રૂ. ૩,૨૦૦ કરોડમાં વેચાણમાં મૂકાયો

વિશ્વમાં સૌથી મોંઘી રકમવાળો રહેણાંક પ્રોપર્ટીનો સોદો બનશે

હોંગકોંગ તા. ૨૨ : અહીં એક ઘરને ૩.૫ અબજ હોંગકોંગ ડોલર (આશરે રૂ. ૩,૨૦૦ કરોડ, અથવા ૪૪ કરોડ ૬૦ લાખ યુએસ ડોલર)માં વેચવા માટે મૂકવામાં આવ્યું છે. આ ઘર ૪-બેડરૂમવાળો બંગલો છે. જો આ ઘર આ કિંમતે વેચાશે તો માત્ર હોંગકોંગના ઈતિહાસમાં જ નહીં, પણ વિશ્વમાં સૌથી મોંઘી રકમવાળો રહેણાંક પ્રોપર્ટીનો સોદો બનશે.

આ બંગલો ૨૪-મિડલ ગેપ રોડ પર આવેલો છે અને આશરે ૧૬,૩૩૦ સ્કવેર ફીટ જમીન પર બાંધવામાં આવ્યો છે. હોંગકોંગમાં અગાઉનો સૌથી ઊંચી કિંમતે હાઉસિંગ પ્રોપર્ટીના વેચાણનો રેકોર્ડ ૨૦૧૬માં નોંધાયો હતો. એ વખતે એક ઉદ્યોગપતિએ ૧૫-ગોફ હિલ રોડ પર આવેલો એક બંગલો ૨.૧ અબજ હોંગકોંગ ડોલરમાં ખરીદ્યો હતો.

વિશ્વમાં અત્યાર સુધીમાં સૌથી મોંઘી કિંમતે ઘરની લે-વેચનો સોદો ફ્રાન્સમાં નોંધાયો છે. ફ્રાન્સના દક્ષિણ ભાગમાં વિલા લેસ સીડ્રેસ નામનો એક બંગલો, જે ૧૮૮ વર્ષ જૂનો છે, તે ગયા વર્ષે ૩૫ કરોડ યુરો (૪૦ કરોડ ૯૦ લાખ યુએસ ડોલર)માં વેચાયો હતો. એમાં ૧૪ બેડરૂમ છે. (૨૧.૮)

(12:02 pm IST)