દેશ-વિદેશ
News of Monday, 22nd July 2019

બોલો, રેસ્ટોરાંએ નેપોલિયન પીત્ઝાનો

માત્ર ક્રસ્ટ વેચવાનું શરૂ કર્યું

ન્યુયોર્ક તા. રરઃ મોટા ભાગે તમે કોઇપણ કંપનીના અને ગમે એ ફલેવરના પીત્ઝા મગાવ્યા હોય, પણ એનો વચ્ચેનો ભાગ ખાઇને કિનારીનો કડક બ્રેડનો ક્રસ્ટ તો બાજુમાં જ કાઢી જ નાખતા હો. આપણે પાછા એવું પણ માનીએ કે એ તો નકરો મેંદો છે એટલે કોણ ખાય? જોકે અમેરિકન ફૂડ ચેઇન રેસ્ટોરાં વિલા ઇટાલિયન કિચને તેમના મેનુમાં માત્ર ક્રસ્ટ વેંચવાનું પણ શરૂ કર્યું છે. એ પણ ખાસ કરીને નેપોલિયન પીત્ઝાનો ક્રસ્ટ. માલિકોનું કહેવું છે કે તેમને ત્યાં આવતા કસ્ટમર્સને પીત્ઝાનો ક્રસ્ટ બહુ જ ભાવે છે એટલે અમે પીત્ઝાને બદલે માત્ર એકલો ક્રસ્ટ ખાવો હોય તો એ પણ વેચવાનું શરૂ કર્યું છે. ર.૪પ ડોલર એટલે કે ૧૯૦ રૂપિયામાં તમને એક મોટી સ્લાઇસ પીત્ઝા જેટલી સાઇઝના ક્રસ્ટની કિનારીઓ મળશે. વિલા ઇટાલિયન કિચનના દરેક આઉટલેટ પરથી માત્ર ક્રસ્ટ વેચાય છે. જોકે આ સમાચાર વાંચીને સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોને એ સવાલ થયો છે કે શું રેસ્ટોરાં આખો પીત્ઝા બનાવ્યા પછી એની કિનારીઓનો ક્રસ્ટ કાપીને અલગ કરે છે કે પછી માત્ર એકલો ક્રસ્ટ જ બેક કરે છે? જેમને ક્રસ્ટ નથી ભાવતો એવા લોકોએ તો ક્રસ્ટલેસ પીત્ઝાની પણ માગણી મૂકી દીધી છે.

(3:49 pm IST)