દેશ-વિદેશ
News of Thursday, 22nd April 2021

બોયફ્રેન્ડને ફસાવવા માટે કર્યો રેપનો ખોટો કેસ : ગર્લફ્રેન્ડને થઈ ૪ વર્ષની જેલ

યુવતીની ફરિયાદ બાદ પોલીસે બોયફ્રેન્ડની ધરપકડ કરી પરંતુ જયારે મેલ ચેક કર્યા ત્યારે ભાંડો ફૂટ્યો : અનીશાને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ ઇકબાલ મોહમ્મદ પરિણીત : પછી તેને ફસાવવા માટે પ્લાનિંગ કરી ધમકી આપતા ઈમેલ્સ પોતાની જાતે જ મોકલ્યા : પોલીસ ફરિયાદ કરી કે બોયફ્રેન્ડે તેની સાથે રેપ કર્યો છે પરંતુ ટેકિનકલ ટીમે સત્ય શોધી કાઢ્યું

લંડન,તા. ૨૨: બ્રિટનની એક મહિલાને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ પહેલાથી જ પરિણીત છે, તો તે આ આંચકો સહન કરી શકી નહીં અને તેણે તેના જીવનનો હેતુ બોયફ્રેન્ડની જિંદગી બગાડવાનો બનાવી લીધો. જોકે આ મહિલા હવે જેલની પાછળ છે.

વર્ષ ૨૦૧૪ માં અનીશાને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ ઇકબાલ મોહમ્મદ પરિણીત છે. આ સાંભળીને અનીષા ચોંકી ગઈ અને તેણે નિર્ણય લીધો કે તે ઈકબાલની છેતરપિંડી માટે મોટી સજા આપશે. આ પછી જ અનિશાએ ઇકબાલ પર ખોટા બળાત્કારનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. ઇકબાલ અને અનીષાની મુલાકાત લિંકડઇન દ્વારા થઈ. અનીષા ઓકસફર્ડની એક લો ફર્મમાં નોકરી કરતી હતી. આ પછી બંનેની મુલાકાત શરૂ થઈ અને તેમના સંબંધો આગળ વધ્યા.

કોર્ટમાં રજૂ થયેલી મહિતી મુજબ અનિશાએ પ્લાનિંગ મુજબ કેટલાક ધમકીભર્યા બનાવટી ઇમેઇલ્સ પણ તૈયાર કર્યા હતા. તેણે આ બનાવટી મેઇલની મદદથી પોતાની જાતને ધમકી આપી હતી અને મેલ મોકલનારમાં ઇકબાલનું નામ લખ્યું હતું. અનીશાએ આ મેલ્સને પુરાવા રૂપે કહ્યું હતું કે ઇકબાલ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતો હતો. આ પછી ઇકબાલની ધરપકડ કરવામાં આવી હતી.

ઇકબાલે આ દરમિયાન કહ્યું હતું કે તેણે કોઈ ધમકીભર્યા મેઇલ કર્યા નથી. આ પછી પોલીસે કેટલાક આઈટી નિષ્ણાતોની મદદ લીધી છે, જેના પછી સ્પષ્ટ થઈ ગયું છે કે આ ઇકબાલ નહીં પણ અનિશા દ્વારા મોકલવામાં આવ્યા છે. અનીશાની ધરપકડ કરવામાં આવી હતી. તેણે સ્વીકાર્યું હતું કે તેણે આ બનાવટી મેઇલ્સ કર્યા હતા. સાથે એમ પણ કહ્યું હતું કે ઇકબાલ હજી પણ તેને હેરાન કરી રહ્યો છે.

અનિશાની બદલાની આગમાં એટલી બધી હતી કે આ પછી પણ તે અટકી નહીં. હવે અનીષાએ ઈકબાલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેમણે તેમની દુર્ઘટનાને ખૂબ વિગતવાર વર્ણવી. તેણી તેના અપહરણની પણ યોજના બનાવી રહી હતી. આ બધાની ઇકબાલના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડી. ઈકબાલની કારકિર્દી અને પારિવારિક જીવન નષ્ટ થઈ રહ્યું હતું.

ઇકબાલના વકીલે કહ્યું કે તે રિજેકશન સહન કરી શકતી નથી અને આજ કારણે તેનું વર્તન જોખમી બની જાય છે. કોર્ટે આ કેસમાં અનીશાને ચાર વર્ષની જેલની સજા સંભળાવી છે.

(10:16 am IST)