દેશ-વિદેશ
News of Monday, 22nd April 2019

સમગ્ર લિબિયામાં સિવિલ વોર ફાટી નીકળવાના એંધાણ

લિબિયાના બળવાખોર જનરલ અને નેશનલ એકોર્ડ સરકાર વચ્ચે જંગમાં ૨૨૭ હોમાયા

લિબાયાના પાટનગર ટ્રિપોલીના કબજા માટે બળવાખોર કમાન્ડર ખલિફા હફ્તારના નેતૃત્વ હેઠળના લિબિયન નેશનલ આર્મી તેમ જ ટ્રિપોલી ખાતે કાર્યરત ગવર્નમેન્ટ ઓફ નેશનલ એકોર્ડને વફાદાર દળો વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ટ્રિપોલી આ દરમિયાન વિસ્ફોટોથી હચમચી ગયું અને દ્રોનથી હવાઇ હુમલાનો પણ ભોગ બની ચુકયું છે. રવિવારે ડ્રોનની મદદથી ઝિંકાતા બોમ્બથી ટ્રિપોલી હચમચી ગયું હતું. આ દરમિયાન સબા જિલ્લામાં સરકારી સૈન્યની છાવણીઓ પર મિસાઇલ હુમલા પણ થયા હતા. લિબીયા વર્ષોથી ટ્રિપોલીમાં કાર્યરત નેશનલ એકોર્ડ ગવર્નમેન્ટ અને જનરલ ખલિફાના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્રના વિસ્તારો વચ્ચે વહેચાયું છે અને હવે જનરલે પાટનગર ટ્રિપોલી પર કબજો કરવા જ આક્રમણ કરી દીધું છે. ૭૫ વર્ષના જનરલ હફ્તારના દળો ચાર એપ્રિલથી ટ્રિપોલીનો કબજો લેવા લડી રહ્યા છે. આ દ્યટનાક્રમ વચ્ચે સમગ્ર લિબિયામાં સિવિલ વોર ફાટી નીકળવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

ટ્રિપોલી ખાતે એર ટ્રાફિક સસ્પેન્ડ  શહેરના કબજા માટે હરિફ દળો વચ્ચે લડાઇ તીવ્ર થતાં મિટિગા એરપોર્ટ પરના વિમાની વ્યવહારને પણ સુરક્ષાના કારણોસર કલાકો સુધી સ્થગિત રાખવામાં આવ્યો હતો.નેશનલ એકોર્ડ સરકારે શનિવારે જનરલની સેના પર વળતો હુમલો કરવા નિર્ણય લેતાં લડાઇ વધુ તીવ્ર બની ચૂકી છે.

૧૧૨૫ ઘાયલ  વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા મુજબ ટ્રિપોલીની ભીતર અને બહાર એક સપ્તાહથી ચાલી રહેલી લડાઇને કારણે ૩૦ હજાર લોકો વિસ્થાપિત થઇ ચૂકયા છે. રવિવારે સંસ્થાએ જણાવ્યું હતું કે સંઘર્ષ ૨૨૭ લોકોનો ભોગ લઇ ચૂકયો છે અને ૧૧૨૫ જેટલા લોકો ઘાયલ થયા છે. ૨૦૧૪માં ટ્રિપોલીનું મુખ્ય એરપોર્ટ ઉડાવી દેવામાં આવ્યા પછી એક માત્ર મિટિગા એરપોર્ટ કાર્યરત હતું પરંતુ લડાઇને કારણે તેને પણ બંધ કરવામાં આવ્યું હતું.  

(3:42 pm IST)