દેશ-વિદેશ
News of Friday, 22nd January 2021

કોરોનાના નવા સ્ટ્રેઇનથી યુરોપમાં ફરીથી સરહદો બંધ કરવાની વિચારણા

નવી દિલ્હી: કોરોના વાયરસના નવા સ્ટ્રેઇનથી ચિંતિત યુરોપિયન યુનિયનના નેતાઓએ ગુરુવારે વીડિયો સમિટ દ્વારા નિયંત્રણોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. વર્ચ્યુઅલ બેઠકમાં ૨૭ દેશના નેતાઓ સરહદ સંબંધી વધુ અંકુશ, મ્યુટેશન્સ પર ચાંપતી નજર અને લોકડાઉનના સંકલનના સુધારા સહિતની બાબતો પર ચર્ચા કરાશે.

     યુરોપિયન યુનિયનના નેતાઓ માટે નવા વેરિયન્ટના સંક્રમણની તીવ્રતા ચિંતાનું મુખ્ય કારણ છે. તેને લીધે યુરોપિયન યુનિયનના કેટલાક દેશોએ કડક કરફ્યુ તેમજ જાહેર ટ્રાન્સપોર્ટ અને શોપ્સમાં માસ્કનો ચુસ્તપણે અમલ શરૂ કરી દીધો છે. અગાઉ કોવિડ-૧૯ને તીવ્ર સંક્રમણને કારણે યુરોપના દેશોને સરહદો બંધ કરી દેવાની ફરજ પડી હતી અને માલસામાનની હેરફેર અટકી ગઈ હતી. આવી સ્થિતિ ફરી ઊભી ન થાય એ માટે યુરોપિયન કમિશને ચાલુ સપ્તાહે કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા શ્રેણીબદ્ધ ભલામણો કરી છે. યુરોપિયન કમિશને સભ્ય દેશોને વેક્સિનેશનની ઝડપ વધારવા જણાવ્યું છે અને માર્ચ સુધીમાં ૮૦ વર્ષથી વધુ વયના ઓછામાં ઓછા ૮૦ ટકા લોકોને રસી આપવા કહ્યું છે. જ્યારે પુખ્ત વયની કુલ વસતીના ૭૦ ટકા લોકોને ઉનાળો પૂરો થતા સુધીમાં વેક્સિનેશનની પ્રક્રિયા પૂરી કરી દેવાનો આગ્રહ કર્યો છે.

(6:18 pm IST)