દેશ-વિદેશ
News of Sunday, 21st October 2018

બે સપ્‍તાહ સુધી ઇન્‍કાર કર્યા બાદ પત્રકાર ખશોગીના મોત માટે સાઉદી અરેબિયાની મોટી કબૂલાત: પત્રકાર જમાલનું મોત નિપજયું છે

સાઉદી અરેબિયા : ચોતરફી દબાણ અને લગભગ બે સપ્તાહ સુધી ઈન્કાર કર્યા બાદ આખરે સાઉદી અરેબિયાએ કબૂલ્યું છે કે ગુમ થયેલા પત્રકાર જમાલ ખશોગીનું મોત નીપજ્યું છે. સાઉદી અરેબિયાના અટોર્ની જનરલે કહ્યુ છે કે પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે ખશોગીનું સાઉદી અરેબિયાના ઈસ્તંબુલ ખાતેના વાણિજ્યિક દૂતાવાસમાં એક ઘર્ષણ બાદ મોત નીપજ્યું છે.

જો કે અટોર્ની જનરલે કહ્યુ છે કે હજી તપાસ ચાલી રહી છે. આ મામલામાં સાઉદી અરેબિયાના અઢાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેની સાથે ડેપ્યુટી ઈન્ટલિજન્સ ચીફ અહમદ અલ અસીરી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના કાયદાકીય સલાહકાર અલ કથાનીને બરતરફ કરવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ખશોગી બીજી ઓક્ટોબરે વાણિજ્યિક દૂતાવાસમાં દાખલ થયા બાદથી દેખાયા નથી. તુર્કીના અધિકારીનો દાવો હતો કે પંદર સાઉદી એજન્ટોએ ખશોગીની વાણિજ્યિક દૂતાવાસમાં હત્યા કરીને તેમના શરીરના ટુકડે-ટુકડા કરી દીધા છે.

જમાલ ખશોગી સાઉદી અરેબિયામાં રહેતા હતા અને વોશિંગ્ટન પોસ્ટ નામના અમેરિકન અખબાર માટે આર્ટિકલ લખતા હતા. શરૂઆતથી જ તુર્કીના અધિકારીનો દાવો છે કે ખશોગીની હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે અમેરિકાની આકરી પ્રતિક્રિયા સામે આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર જમાલ ખશોગીના રહસ્યમય રીતે ગુમ થવાના સંદર્ભે સંપૂર્ણ રિપોર્ટની પણ માગણી કરી હતી.

(12:25 pm IST)