દેશ-વિદેશ
News of Friday, 21st September 2018

ફિટનેસ ટ્રેનર બની કંઈક અલગ ક્ષેત્રમાં કરો કારકીર્દીનું ઘડતર

પહેલાના જમાના કરતા આજે આપણે ત્‍યાં સાક્ષરતા દર વધ્‍યો  છે. લોકો શિક્ષણ મેળવવા માટે જાગૃત થયા છે. બધા માતા-પિતા પોતાના બાળકને ઉચ્‍ચ શિક્ષણ અપાવી  તેનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ઈચ્‍છે છે. આજે મોટા ભાગના લોકો ડૉક્‍ટર, એન્‍જીનીયર, વકિલ, શિક્ષક, વગેરે ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ સિવાય પણ ઘણા ક્ષેત્ર છે જ્‍યાંથી તમે તમારી કારકીર્દી બનાવી ભવિષ્‍ય ઉજળુ કરી શકો છો.

આજના સમયમાં બધા વ્‍યક્‍તિ પોતાની ફિટનેસને લઈ જાગૃત થઈ ગયા છે. પોતાને ફીટ રાખવા માટે લોકો વ્‍યાયામને પણ મહત્‍વ આપે છે. ફિટનેસ ગોલ્‍સને પૂરા કરવામાં જેની સૌથી વધુ પકડ હોય છે, તે છે ફિટનેસ ટ્રેનર. જેના દ્વારા આ ક્ષેત્રમાં કારકીર્દી ઘડવાની નવી સંભાવનાઓના દ્વાર ખુલે છે. તો જાણો આ ફિલ્‍ડમાં કેરીયર બનાવવા માટે શું જરૂરી છે.

 એક ફીટનેસ ટ્રેનર  કસરત કરાવવાની સાથે પોતાના ક્‍લાઈંટને હંમેશા મોટીવેટ પણ કરે છે. જેથી વ્‍યક્‍તિ પોતાને ફિટ રાખવા માટે આગળ પગલા માંડતો રહે. એક ફિટનેસ ટ્રેનર માટે સૌથી જરૂરી હોય છે કે ક્‍લાઈન્‍ટ તેની બધી સર્વિસથી સંપૂર્ણ રીતે સંતુષ્‍ટ થાય. અને આ વસ્‍તુ ત્‍યારે જ શક્‍ય બને છે જ્‍યારે તમને તમારા કામની નાનામાં નાની વાત વિશે સંપૂર્ણ જાણકારી હોય.

એક સારા ફિટનેસ ટ્રેનર તે જ બની શકે છે, જેનામાં સારી કોમ્‍યુનિકેશન સ્‍કિલ (વાતચીત કરવાની કળા) અને ધૈર્ય હોય. સૌથી પહેલા તેને પોતાની ફિટનેસ ઉપર સંપૂર્ણ ધ્‍યાન આપવુ જોઈએ. જ્‍યારે તમને બધા પ્રકારની કસરત, ફિટનેસ ટુલ્‍સ, ડાયટ અને માણસના શરીરના પ્રકાર વિશે આવશ્‍યક જાણકારી હોવી જોઈએ.

આ ક્ષેત્રમાં આગળ વધવા માટે તમે ફિટનેસ સંબંધીત કોર્સ કરી શકો છો. આ કોર્સનો સમય બે-ત્રણ મહિનાથી લઈને બે-ત્રણ વર્ષ સુધીનો હોય શકે છે. તમે ઈચ્‍છો તો એક્‍સરસાઈઝ અથવા ફિઝીકલ એજ્‍યુકેશનમાં બેચલર અથવા માસ્‍ટર ડિગ્રી મેળવી શકો છો. ત્‍યારબાદ સરળતાથી નોકરી શોધી શકો છો.

એક ફિટનેસ ટ્રેનર માટે કામની કોઈ કમી નથી. તમે ઘણી ફાઈવ સ્‍ટાર હોટલો, હેલ્‍થ રિસોર્ટ, સ્‍પા, સ્‍પોર્ટસ એન્‍ડ ફિટનેસ ક્‍લબ, જીમ વગેરેમાં નોકરી માટે એપ્‍લાઈ કરી શકો છો. આજકાલ સ્‍પોર્ટસ અને ફિટનેસની વધતી માંગના કારણે સ્‍કૂલ, કોલેજ અને યુનિવર્સીટીમાં પણ ફિટનેસ ઈન્‍સ્‍ટક્‍ટરની પણ ભારે માંગ છે. તમે ઈચ્‍છો તો ફિટનેસ ટીચર તરીકે પણ કામ કરી શકો છો.

(11:31 am IST)