દેશ-વિદેશ
News of Monday, 21st June 2021

અમેરિકાની સરહદ નજીક હુમલાખોરોએ સામાન્ય લોકો પર ગોળીબારી કરતા 18ના મોત

નવી દિલ્હી: અમેરિકાની સરહદ પાસે મેક્સિકન સિટીના રેનોસા ખાતે અનેક ગાડીઓ પર સવાર હુમલાખોરોએ સામાન્ય લોકો પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. હિંસક ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. જાણવા મળ્યા મુજબ હથિયારોથી સજ્જ શખ્સ ગાડીઓ પર સવાર હતા અને તેમણે સામાન્ય લોકો પર ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી હતી. સુરક્ષા દળોના કહેવા પ્રમાણે ઘટના બાદ અફરા-તફરી મચી ગઈ હતી. સુરક્ષાદળોએ 4 શકમંદોના ઢીમ ઢાળી દીધા હતા. તેમાં બોર્ડર બ્રિજ પાસે માર્યા ગયેલા શખ્સનો પણ સમાવેશ થાય છે. હુમલો શનિવારે બપોરે શરૂ થયો હતો. સોશિયલ મીડિયા પર જાહેર તસવીરોમાં રેનોસાની ગલીઓમાં લાશો છવાયેલી નજરે ચડી રહી છે. રેનોસાના મેયર માકી એસ્તેર ઓર્ટિજ ડોમિંગુએજે ટ્વીટર પર નાગરિકોની સુરક્ષાની માગણી કરી છે. તામાઉલિપાસના ગવર્નર ફ્રાંસિસ્કો ગ્રેસિયા કાબેજા ડે વાકાએ રવિવારે ઘટનાની નિંદા કરી હતી અને માર્યા ગયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે હુમલા પાછળના ઉદ્દેશ્યની તપાસ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. વિસ્તારમાં બનતી મોટા ભાગની ગુનાહિત ઘટનાઓના તાર ગલ્ફ કાર્ટેલ સુધી પહોંચે છે, જોકે તે ગ્રુપમાં ભંગાણ આવ્યું છે.

(5:52 pm IST)