દેશ-વિદેશ
News of Friday, 21st June 2019

સરકારે પ્રત્યાર્પણ કાયદાની શરતો ન સ્વીકારતા હોંગકોંગમાં ફરી આંદોલન છેડાયું

 હોંગકોંગઃ ચીની સમર્થક હોંગકોંગ સરકારે ચીનને આરોપીના પ્રત્યાર્પણને લગતું બિલ પસાર કર્યું હતું. એ બિલના વિરોધમાં હોંગકોંગમાં લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા એટલે બિલ પાછું ખેંચવાનું નક્કી થયું હતું, પરંતુ સરકારે બેધારી નીતિ રાખી હોવાથી ફરીથી હોંગકોંગમાં વિરોધ પ્રદર્શનો થશે.

 ચીન પ્રત્યાર્પણ કાનૂન અંતર્ગત ચીનને આરોપીની કસ્ટડી મળી શકે તેમ હતી અને તેની સામે ચીન પગલાં ભરી શકે તેમ હતું. ચીની સમર્થક નેતા કેરી લેમએ બિલ પસાર કર્યું તે પછી હોંગકોંગમાં ભારે વિરોધ ઉઠયો હતો.

 લાખો લોકો રસ્તા ઉપર વિરોધ પ્રદર્શનો માટે ઉતરી આવ્યા હતા એટલે કેરીએ તે બિલ માટે માફી માગી હતી અને પ્રદર્શનકારીઓની માગણી સ્વીકારી લેવાની જાહેરાત કરી હતી.પરંતુ હવે સરકારે પ્રદર્શનકારીઓની માગણીનો અમલ કર્યો નહીં.

 જાહેરમાં માફી માગ્યા પછી પણ બિલ બાબતે સરકારે મક્કતા બતાવી હોવાનો આરોપ થયો છે અને તેને ધ્યાનમાં રાખીને હોંગકોંગના પ્રદર્શનકારીઓએ ફરીથી આંદોલન કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થી યુનિયન, કર્મચારી સંઘ સહિતના સંગઠનોએ શુક્રવારે રેલીનું અહ્વાહન કર્યું છે અને ફરીથી સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવાની હાકલ કરી છે.

 આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે હવે આ આંદોલન નવેસરથી શરૂ થશે અને તે એક દિવસ માટે નહીં હોય. આગામી દિવસોમાં પણ સરકારની આ બેવડી નીતિ સામે ઉગ્ર દેખાવો કરીશું. હોંગકોંગના સરકારી બિલ્ડિંગ સામે એકઠા થઈને વિરોધ કરવા માટે લાખો લોકો ફરીથી એકઠાં થશે.

(3:39 pm IST)