દેશ-વિદેશ
News of Friday, 21st June 2019

ન્યુઝીલેન્ડ સરકારે લોકો પાસેથી બંદુકો પાછી ખરીદશે

 વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડની મસ્જિદોમાં આતંકવાદી હુમલો થયો તે પછી સરકારે હથિયારો ઉપર પ્રતિબંધ મૂકવાની દિશામાં નક્કર પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. ન્યૂઝીલેન્ડમાં હવે હથિયારો ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. તે સાથે જ સરકારે હથિયારો પાછા ખરીદવાની યોજના પણ શરૂ કરી છે.

 ન્યૂઝીલેન્ડના વડાં પ્રધાન જેસિંડા અર્ડેને દેશભરમાં હથિયારો ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ધાય વ્યકત કર્યો હતો. આખરે ન્યૂઝીલેન્ડમાં હથિયારો ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તે સાથે જ સરકારે બંદૂકના લાઈસન્સ ધારકોને હથિયારો જમા કરાવવા માટે છ માસનો સમય આપ્યો છે. જો છ માસમાં લાઈસન્સ ધારકો પોલીસને હથિયાર જમા નહીં કરાવે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

 કાયદા વ્યવસ્થા અને પોલીસ વિભાગના મંત્રી સ્ટૂઅર્ટે જાહેરાત કરતા કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સરકારે હથિયારો પાછા લેવા માટે બાયબેક યોજના શરૂ કરી છે. લોકો સરકારને હથિયાર જમા કરાવશે તો સરકાર તેનું વળતર પણ આપશે.

 એ પાછળ એવો હેતુ છે કે લોકોમાં હથિયારો જમા કરાવી દેવાની જાગૃતિ આવે. હથિયારો જમા કરાવનારા નાગરિકોને સરકાર યથાયોગ્ય વળતર આપશે. સરકારે જાહેરાત કરી હતી એ પ્રમાણે અત્યારે ગેરકાયદે હથિયારો ધરાવનારા સામે જમા કરાવતી વખતે કોઈ જ કાર્યવાહી થશે નહીં પરંતુ જો તે પછી હથિયારો મળશે આકરા પગલાં ભરાશે.

 પોલીસે એવી આશા વ્યકત કરી હતી કે આ યોજનાથી દેશભરમાંથી લગભગ ૧૪,૩૦૦ સેમિ ઓટોમેટિક ટાઈપની લશ્કરી ગન રિકવર થઈ જશે. સરકારનો અંદાજ છે કે લગભગ ૨૦૮ ન્યૂઝીલેન્ડ ડોલર એટલે કે આશરે ૯ અબજ રૂપિયાની રકમ આ યોજના માટે ખર્ચવી પડશે. તેની સામે દેશમાંથી મોટાભાગ ની ગન સરકારમાં જમા થઈ જશે.

(3:39 pm IST)