દેશ-વિદેશ
News of Friday, 21st June 2019

પાકિસ્તાનના ૩૩૦ કિલોના ભાઇને ઘરમાંથી બહાર કાઢવા દીવાલ તોડવી પડી અને હોસ્પિટલ પહોંચાડવા મિલિટરીની મદદ લેવી પડી

કરાંચી તા. ર૧: એક હદ કરતાં વધુ વજન થઇ જાય એ પછી વ્યકિત પોતાના જ શરીરને હલાવી કે ચલાવી શકતી નથી. પાકિસ્તાનના સાદિકાબાદ જિલ્લામાં રહેતા નૂરહસન નામના જનાબની પણ એ જ હાલત થઇ છે. હસનનું વજન ૩૩૦ કિલોથી વધુ છે. વર્ષોથી ભાઇસાહેબ ઘરમાંથી નીકળી શકયા નહોતા અને તબિયત કથળતી જતી હતી એટલે પાકિસ્તાનના આ સૌથી મેદસ્વી વ્યકિતની વહારે દોડયા સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવા. તેમણે નૂરહસનને ઘમાંથી કાઢીને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીને સારવાર શરૂ કરવાની વ્યવસ્થા કરી હતી. ગામના લોકો અને બચાવ દળના સૈનિકોએ ભેગા મળીને નૂરહસનને ઘરમાંથી બહાર કાઢયા હતા. તેનું કદ એટલું જાયન્ટ થઇ ગયું હતું કે ઘરના મુખ્ય દ્વારથી તેને બહાર કાઢવાનું શકય નહોતું એટલે તે જે રૂમમાં રહેતો હતો એની જ એક બાજુની દીવાલનો થોડો ભાગ તોડવો પડયો હતો. મહેલિકોપ્ટરની મદદથી તેને લાહોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જયાં વજન ઉતારવા માટેની સર્જરી કરવામાં આવશે.

ર૦૧૭માં ૩૬૦ કિલોના એક પાકિસ્તાની નાગરિક પર સર્જરી કરવામાં આવી હતી અને તેનું વજન  ઘટીને ર૦૦ કિલો થયુ઼ં હતું. પાકિસ્તાન એન્ડોક્રાઇન સોસાયટી દ્વારા જાહેર થયેલા સર્વે રિપોર્ટ મુજબ ર૯ ટકા પાકિસ્તાની વસ્તી વધુ વજન ધરાવે છે અને એમાંથી પ૧ ટકા લોકો અતિમેદસ્વી છે.

(1:14 pm IST)