દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

રશિયાનો સિરિયામાં હવાઈ હુમલો : દસ નાગરિકોનાં મોત

કાફ્રનબેલ (સિરિયા) તા. ૨૧ : સિરિયાના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાંના જેહાદીઓના ગઢ ગણાતા ઈડિબમાં રશિયા દ્વારા રવિવારે રાત્રે કરાયેલી એરસ્ટ્રાઈકમાં પાંચ બાળકો સહિત દસ નાગરિકો માર્યા ગયા છે. એરસ્ટ્રાઈક પછી જેહાદીઓ અને સરકારી દળો સામસામા આવી ગયા હતા. ઈડિબ પ્રાંતના કાફ્રનબેલ નગરમાં રશિયાના વિમાનો દ્વારા કરાયેલી એરસ્ટ્રાઈકમાં પાંચ બાળકો, ચાર મહિલા અને એક પુરૂષનું મોત થયું હતું. બ્રિટન સ્થિત સિરિયન ઓબ્ઝર્વેટેરી ફોર હ્યુમન રાઈટસે કહ્યું કે હોસ્પિટલ પાસે થયેલા હવાઈ હુમલાથી હોસ્પિટલને મોટું નુકસાન થયું હતું. રવિવારે ઈડિબ ક્ષેત્રના અન્ય વિસ્તારોમાં સરકારી દળોએ કરેલી બોમ્બ વર્ષામાં અન્ય છ નાગરિકો માર્યા ગયા હતા. ઈડિબ, એલેપ્યો, હામા અને લાટકિયા પ્રાંતના ઘણાં વિસ્તારોમાં જેહાદીઓ વર્ચસ્વ ધરાવે છે.

હામા પ્રાંતમાં ઈડિબની દક્ષિણમાં રશિયાના વિમાનોએ બોમ્બમારો કર્યો હતો. જયારે બીજી બાજુ સરકારી વિમાનોએ મશીનગન, મિસાઈલ્સ અને ક્રૂડબેરલ બોમ્બ દ્વારા હામા પ્રાંતના ઉત્તરી વિસ્તારોને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું.

ઈડિબ પ્રાંતમાં લગભગ ૩૦ લાખ લોકો રહે છે. સિરિયામાંના યુદ્ઘમાં છેલ્લાં આઠ વર્ષમાં ૩૭૦૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને લાખો લોકો સ્થળાંતર કરી ગયા છે.

(10:31 am IST)