દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

તાજિકિસ્તાનમાં જેલમાં રમખાણ : ૩૨નાં મોત

તાજિકિસ્તાન તા. ૨૧ : તાજિકિસ્તાનમાં જેલમાં થયેલા રમખાણમાં જેહાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ-આઈએસના ૨૪ સભ્ય અને ત્રણ સુરક્ષા ચોકિયાત સહિત ૩૨ જણનાં મોત થયા હોવાનું વહીવટકર્તાઓએ સોમવારે કહ્યું હતું. રવિવારે સાંજે ફાટી નીકળેલી હિંસામાં પ્રારંભમાં પાંચ કેદી અને ત્રણ સુરક્ષા ચોકિયાતનાં મોત નીપજયાં હતાં તો સુરક્ષા ચોકિયાતો દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાનાં કરવામાં આવેલા પ્રયાસો દરમિયાન અન્યોનાં મોત નીપજયાં હોવાનું ન્યાય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યાનુસાર રમખાણ કરનારાઓએ લોકોને ડરાવવા સૌપ્રથમ ત્રણ સુરક્ષા ચોકિયાતોને અને ત્યાર બાદ પાંચ કેદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

જેલમાં તબીબી સુવિધા ધરાવતા વિસ્તારમાં ગોળીબાર કરતા અગાઉ તેમણે અન્ય કેદીઓને બાનમાં લીધા હતા.

વળતી કાર્યવાહીમાં આ જૂથના ૨૪ સભ્ય માર્યા ગયા હતા અને અન્ય ૩૫ની ધરપકડ કરવામાં આવી હતી. બાનમાં રખાયેલા લોકોને છોડાવી લઈ શાંતિની પુનઃસ્થાપના કરવામાં આવી હતી, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

(10:31 am IST)