દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

એન્ટાર્કટિકામાં ફ્રાન્સથી મોટું ગ્લેશિયર પીગળ્યું: સમુદ્રનું સ્તર વધવાની ભીતિ

ગ્લોબલ વોર્મિંગના લીધે ઉનાળા પહેલા જ તાપમાન વધતાં ગ્લેશિયર વધુ પીગળ્યું

સિડની (ઓસ્ટ્રેલિયા) તા. ૨૧ : એન્ટાર્કટિકામાં તરી રહેલા ફ્રાન્સથી પણ વિશાળ આકારનું ગ્લેશિયર ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધવાથી ઝડપથી પીગળી જાય એવી આશંકા છે. તેનાથી સમુદ્રના જળસ્તરમાં ખૂબ વધારો થઈ શકે છે. વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે ટોટેન ગ્લેશિયર એન્ટાર્કટિકામાં સૌથી ઝડપથી તરતું અને સૌથી વિશાળ ગ્લેશિયર છે. વિજ્ઞાનીઓ તેના પર ઝીણવટથી નજર રાખી રહ્યા છે કે તે કેવી રીતે પીગળી રહ્યું છે.

સંશોધકોએ અગાઉ વિચાર્યુ હતું તેના કરતાં વધુ વિશાળ આકારમાં આ ગ્લેશિયર તરી રહ્યું છે. આ અભ્યાસ ઘણો મહત્ત્વપૂર્ણ છે કેમકે હાલના અભ્યાસોમાં એ જાણવા મળ્યું છે કે ટોટેન ગ્લેશિયરનો કેટલોક હિસ્સો ગરમી અગાઉ જ પીગળી રહ્યો છે. સેન્ટ્રલ વોશિંગ્ટન યુનિવર્સિટીના પોલ વિનબેરીએ કહ્યું હતું, 'તેનો અર્થ એ પણ છે કે ટોટેન ભવિષ્યમાં જળવાયુમાં થનારા ફેરફારોના હિસાબે વધુ સંવેદનશીલ છે.'

ગ્લેશિયર બરફનો વિશાળ હિસ્સો હોય છે જે અનેક શિયાળામાં ધીમે ધીમે ખીણપ્રદેશ, પર્વતો અને નીચલા વિસ્તારો તરફ આગળ વધે છે. તેમાં પૃથ્વીના તાજા જળની મોટી માત્રા હોય છે અને જયારે તેઓ પીગળે છે તો સમુદ્રનું સ્તર વધવામાં તેનું મોટું યોગદાન હોય છે. નાસાના અનુસાર, વર્ષ ૨૦૦૨થી ૨૦૧૬ વચ્ચે એન્ટાર્કટિકામાં દર વર્ષે ૧૨૫ ગીગાટન બરફ પીગળ્યો હતો.(૨૧.૧૬)

 

(11:46 am IST)