દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

મહિલાએ બનાવ્યો તમાકુ ફલેવરનો આઈસક્રીમ

ચાખ્યા બાદ એક જજે કહ્યું હતું કે તેઓ જાણે એશ ટ્રેને ચાટી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

લંડન, તા.૯: આઈસક્રીમમાં વિવિધ ફલેવર અને વેરાઈટી આવતી હોય છે પરંતુ બ્રિટનમાં એક રસોઈ શોની સ્પર્ધામાં એક નવી જ ફલેવરનો આઈસક્રીમ રજૂ કરવામાં આવ્યો હતો. આ આઈસક્રીમ કાર્યક્રમના જજને પસંદ આવ્યો હતો પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેની ટીકા પણ કરી હતી.

બ્રિટનના માસ્ટરશેફઃ ધ પ્રોફેશનલ્સ શોમાં લંડનની યાસ્મિન નામની એક સ્પર્ધકે ટોબેકો આઈસક્રિમ (તમાકુ ફલેવરનો આઈસક્રીમ) બનાવ્યો હતો. યાસ્મિન એકટન રેસ્ટોરન્ટની મુખ્ય શેફ છે. તેણે ટાર્ટ ટેઈન નામની સ્વીટ ડિશની સાથે તમાકુ ફલેવરનો આઈસક્રીમ રજૂ કર્યો હતો. જેને ચાખ્યા બાદ એક જજે કહ્યું હતું કે તેઓ જાણે એશ ટ્રેને ચાટી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

જોકે, તમામ ત્રણ જજ યાસ્મિને આઈસક્રીમ માટે જે ફ્લેવરની પસંદગી કરી હતી તેનાથી આશ્ચર્યમાં મૂકાયા હતા. ગેસ્ટ જજ ગ્રેસ ડેન્ટે જણાવ્યું હતું કે આ આઈસક્રીમનો ટેસ્ટ એવો છે જાણે હું કોઈ એશ ટ્રે (સિગારેટની રાખ એકઠી કરવાની ડિશ)ને ચાટી રહ્યો હોવ તેવું લાગે છે. ડેન્ટ જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ યાસ્મિનની ટીકા કરવામાં આવી હતી. આ શોમાં વિલિયમ સિટવેલ, ગ્રેસ ડેન્ટ અને જિમી ફામુરેવા જજ હતા.

યાસ્મિને મેઈન કોર્સ માટે ચિકનની એક ડિશ રજૂ કરી હતી જેને જજે પસંદ કરી હતી પરંતુ જયારે તે પોતાના ડેઝર્ટને રજૂ કર્યું ત્યારે જજ આદ્યાત પામ્યા હતા. યાસ્મિને એપલ ટેર્ટ સાથે વિચિત્ર ફલેવરનો આઈસક્રીમ રજૂ કર્યો હતો. તેમણે આઈસક્રીમનો ટેસ્ટ કર્યો તે અગાઉ ગ્રેસે જણાવ્યું હતું કે મેં અગાઉ કયારેય તમાકુનો સ્વાદ ચાખ્યો નથી. ત્રણેય જજને ટેર્ટની ફલેવર પસંદ આવી હતી પરંતુ તમાકુ ફલેવરના આઈસક્રીમ તેમને ખુશ કરી શકયો ન હતો.

(11:41 am IST)