દેશ-વિદેશ
News of Wednesday, 9th October 2019

ખાવામાં વાળ જોઇને પતિએ પત્નિનું માથાનું મુંડન કરી નાખ્યું

પત્નિને ઇજા પહોંચાડવાના કેસમાં બબલુને વધુમાં વધુ ૧૪ વર્ષની સજા થઇ શકે

ઢાકા, તા.૯: રૂઢિચુસ્ત મુસ્લિમ દેશ ગણાતા બંગલાદેશમાં મહિલાઓ સામેના ગુનામાં વધારો થઇ રહ્યો છે એવા સમાચારોની વચ્ચે અત્રેના એક બંગલાદેશી પતિએ તેના નાસ્તામાં વાળ આવતા ગુસ્સે ભરાઇને પત્નિના વાળ કાપી નાખવાની ઘટના બની છે. પોલીસને ઘટનાની જાણ થતા પતિ બબલુ મોંડલ (૩૫)ની ધરપકડ કરવામાં આવી હતી.

સવારના દૂધ અને ભાતના નાસ્તામાં બબલુને વાળ દેખાયો હતો જેને કારણે તે રોષે ભરાયો હતો. તેણે બ્લેડ ઉઠાવી અને બળજબરીથી પત્નિના વાળ કાપી નાખ્યા હતા. પત્નિને ઇજા પહોંચાડવાના કેસમાં બબલુને વધુમાં વધુ ૧૪ વર્ષની સજા થઇ શકે છે.

બંગલાદેશમાં કાયદા હોવા છતાં મહિલાઓ સામેના ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં વર્ષના પહેલા છ મહિનામાં બળાત્કારના રોજના ત્રણ કેસ બન્યા હતા. જાન્યુઆરી અને જૂનની વચ્ચે બળાત્કારના ૬૩૦ કિસ્સામાંથી ૩૭ કિસ્સામાં પીડિતાની હત્યા કરવામાં આવી હતી જયારે સાત પીડિતાએ આત્મહત્યા કરી હતી. એપ્રિલ મહિનામાં ૧૯ વર્ષીય સ્કૂલની છાત્રાએ જાતીય સતામણીની ફરિયાદ કરતા તેને બાળી મૂકવાની ઘટના બનતા લોકોમાં ભારે વિરોધ ઊઠયો હતો.

(9:53 am IST)