દેશ-વિદેશ
News of Tuesday, 13th August 2019

બરફ ભરેલા બોકસમાં બે કલાકની તપસ્યા કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

માઈનસ ડિગ્રી તાપમાનમાં શરીર પરથી ગરમ જેકેટ કાઢવાનો વિચાર પણ ન થઈ શકે ત્યાં ઓસ્ટ્રિયાના જોસેફ કોઇબર્લ નામના એથ્લીટે ગળાડૂબ બરફમાં બેસવાનો રેકોર્ડ કર્યો છે.ભાઈસાહેબ પૂરા બે કલાક, આઠ મિનિટ અને ૪૭ સેકન્ડ સુધી આઇસ-ક્યુબ્સ ભરેલી ટાંકીમાં બેસી રહ્યા. એ પણ રેકોર્ડ બનાવવા માટે. એ વખતે તેણે શરીર પર માત્ર એક સ્વિમ સૂટ પહેર્યો હતો. આ પહેલાં ચાઇનીઝ એથ્લીટ જિન સોન્ગહાઓના નામે આ રેકોર્ડ હતો. તેણે ૨૦૧૪માં ૫૩ મિનિટ અને ૧૦ સેકન્ડ સુધી બરફમાં બેસીને આ રેકોર્ડ બનાવ્યો હતો. જોસેફભાઈએ ઓસ્ટ્રિયાના વિષેનાના મુખ્ય સ્ટેશન પર બનાવ્યો હતો. રેકોર્ડ માટે તે ફિટ છે કે નહીં એની પહેલાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, દર થોડીક મિનિટે તેના શરીરનું ટેમ્પરેચર માપવામાં આવતું હતું જેથી તે કોઈ ડેન્જરસ સ્થિતિમાં તો નથી ને એ ચેક કરી શકાય. જોસેફ છેક ખભા સુધી આઈઇસ-ક્યુબ ભરેલા હોય એવી ટાંકીમાં બે કલાકથીયે વધુ સમય ઊભો રહ્યો. બહાર આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, હજીય તેને અંદર એવી ઠંડી નહોતી લાગતી કે તેણે બહાર આવી જવું પડે. તે વધુ સમય બરફની ટાંકીમાં બેસી શક્યો હોત, પણ રેકોર્ડ તોડવા માટે આટલો સમય પુરતો છે. જોસેફને ભલે આ બહાદુરીનું કામ લાગતું હોય, પણ ઇન્ટરનેટ પર ઘણા લોકોનું કહેવું હતું કે આ રીતે જીવને જોખમમાં મૂકવાનું મુર્ખામીભર્યું છે.

(3:41 pm IST)