દેશ-વિદેશ
News of Thursday, 14th March 2019

દીકરાએ ફોન-નંબર સાથેનું હોર્ડિંગ લગાવી દેતાં

પપ્પાને જન્મદિવસની શુભેચ્છા માટે ૧૫,૦૦૦ થી વધુ કોલ મળ્યા

ન્યુઝર્સી તા.૧૪: બાળકો મોટાં થઇ જાય એ પછી પેરન્ટ્સની બર્થ-ડે ખાસ બનાવવા માટેના પ્લાન કરતા થઇ જાય છે. એવું જ કંઇક અમેરિકાના ન્યુઝર્સીના એટલાન્ટિક સિટીમાં ક્રિસ ફેરીના બે દીકરાઓએ કર્યું. બન્ને ભાઇઓ વિચારતા હતા કે ૧૬ માર્ચે આવી રહેલી પપ્પાની બર્થ-ડેને કઇ રીતે ખાસ બનાવવી? ક્રિસ આ દિવસે ૬૨ વર્ષના થવાના છે ત્યારે તેમના દીકરાઓએ વિચાર્યું કે અમે એકલા તેમને વિશ કરીએ એનાં કરતાં અનેક અજાણ્યાઓ પણ તેમને વિશ કરે તો મજા પડી જાય. બન્ને ભાઇઓએ બર્થ-ડે પહેલાં જ શહેરમાં એક મોકાની જગ્યાએ હોર્ડિંગ ભાડે લીધું અને એમાં લખ્યું હતું - મારા પપ્પાને બર્થ-ડે વિશ કરો. આટલું જ નહીં, તેમણે પપ્પાનો ફોન-નંબર પણ એમાં લખી નાખ્યો હતો. જયારે ક્રિસને બર્થ-ડે વિશ કરતા ફોન-કોલ્સ અને મેસેજ મળવા લાગ્યા ત્યારે તેમણે પૂછતાછ કરી કે તેમને કયાંથી ખબર પડી કે મારો બર્થ-ડે છે અને મારો નંબર આ છે? ત્યારે શુભેચ્છકોએ તેને શહેરમાં લાગેલા હોર્ડિંગની વાત કરી. ક્રિસને નવાઇ લાગી. તેઓ જાતે એ જગ્યાએ ગયા અને પોતાના ફોટો સાથેનું પાટિયું જોઇને ખુશ થઇ ગયા. તેમણે આ હોર્ડિંગ સાથેની એક તસ્વીર પણ સોશ્યલ મીડિયામાં શેર કરી દીધી. એને કારણે થયું એવું કે માત્ર તેમના શહેરમાંથી જ નહીં, જર્મની અને આફ્રિકા જેવા દેશોમાંથી પણ તેમને ફોન અને સંદેશાઓ મળવા લાગ્યા. બુધવારની સાંજ સુધીમાં ૧૫,૦૦૦થી વધુ શુભેચ્છાઓ ક્રિસને મળી ચૂકી છે. હજીયે પપ્પા નવરા પડી શકે એમ નથી કેમ કે આ હોર્ડિંગ ૬ એપ્રિલ સુધી લાગેલું રહેવાનું છે.

(10:33 am IST)