આ બહેન દોઢ કિલોનું બર્ગર બાવીસ મિનિટમાં ચટ કરી ગયાં
લંડન, તા.૧૮: ઇંગ્લેન્ડના કનિંગ્ટમાં રહેતી કેટ ઓવેન્સ નામની એક ફૂડ-બ્લોગરે તાજેતરમાં અધધધ કહેવાય એવડી સાઇઝનું બર્ગર એક બેઠકે અને બહુ આસાનીથી ઝાપટી લીધું હતું. આ આખીયે ઘટનાનો ટાઇમ-લેપ્સ વિડિયો તેણે પોતાના બ્લોગ સાથે અપલોડ કર્યો હતો. સામાન્ય રીતે એક બર્ગરનું વજન દોઢસોથી બસો ગ્રામ જેટલું હોય અને એક બર્ગર ખાધા પછી ભલભલાનું પેટ ધરાઇ જાય. જોકે ૨૪ વર્ષની નાજુક અને નમણી દેખાતી આ યુવતીએ ૧પ૦૦ ગ્રામનું બર્ગર એક જ બેઠકે ઝાપટી લીધું હતું. લિબર્ટાઇન બર્ગર નામની એક રેસ્ટોરાંએ આ રાક્ષસી કદનું બર્ગર તૈયાર કર્યુ હતું. એમાં બીફની નવ પેટીસ, ચીઝ, સેલડ અને હોલવ્હીટ બન્સ હતાં. એમાં સાથે ફ્રેન્ચ ફ્રાઇઝ પણ હતી. કેટ જયારે આ ડિશ ખાવા બેઠી ત્યારે શરૂઆતમાં તેને પોતાને પણ ટાસ્ક અઘરો લાગતો હતો. જોકે તેણે જરાય અટકયા વિના ખાવાનું ચાલુ જ રાખ્યું. એક પછી એક પેટીસ અને ચીઝ તેણે પેટમાં પધરાવવા માંડયાં અને બાવીસ મિનિટમાં તો તેણે આંગળીથી ચાટીને થાળી સફાચટ કરી નાખી.(૨૩.૯)