દેશ-વિદેશ
News of Saturday, 20th July 2019

'જાડી સ્ત્રી સ્વર્ગમાં જઇ ન શક' એવું બોલનાર પાદરીને મહિલાએ સ્ટેજ પરથી ધકકો માર્યો

સમગ્ર ઘટના કેમેરામાં કેદઃ વીડિયો વાયરલ

લંડન, તા.૨૦: ચર્ચમાં એક પાદરીનું કામ વિધિઓ કરાવવાનું, સારા ઉપદેશ આપવાનું અને ધર્મગ્રંથો પર ચર્ચા કરવાનું છે. પરંતુ ભીડ વધારે હોય ત્યારે કોઈ વાર જીભ લપસી જાય તેવુ પણ બને. આવું જ બ્રાઝિલના એક પાદરી સાથે થયુ હતુ. તેમણે જે કહ્યું તે તો ઠીક, પરંતુ બોલ્યા પછી જે થયુ તે વધારે મહત્વનું છે. આ સમગ્ર દ્યટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે.

રિપોર્ટ્સ અનુસાર મહિલા ઓડિયન્સમાં બેસીને પાદરીનું પ્રવચન સાંભળી રહી હતી પરંતું જયારે પાદરીએ કહ્યું, 'જાડી સ્ત્રીઓ સ્વર્ગમાં ન જઈ શકે'ત્યારે મહિલાનો પત્તો ગયો હતો. તે કૂદીને સ્ટેજ પર ચડી ગઈ હતી અને તેણે પાદરીને ધક્કો મારી દીધો હતો.

રિપોર્ટ્સ અનુસાર પાદરી માર્સેલો રોસી બ્રાઝિલની કેથોલિક કોમ્યુનિટીમાં જાણીતુ નામ છે. આ દ્યટના થયા બાદ લોકોને શું કરવું તે ખબર નહતી પડી અને બધા જ આઘાત પામી ગયા હતા. આ સમયે હજારો લોકો ચર્ચમાં ભેગા થયા હતા અને પાદરી તેમની સામે સ્ટેજ પરથી પડી ગયા હતા.

પડયા પછી પાદરી રોસીએ જણાવ્યું, 'ચિંતા ન કરો. મને બસ થોડો દુઃખાવો છે. આ નોર્મલ છે, કંઈ ભાંગ્યુ નથી.' આ ઘટના પછી પાદરીએ ચર્ચાસ્પદ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. કેમેરામાં હાલમાં હાજર લોકો કેટલા આઘાત પામી ગયા હતા તે પણ જોઈ શકાય છે.

 

(9:57 am IST)