દેશ-વિદેશ
News of Friday, 20th April 2018

આ છે ત્રણ ચહેરાવાળો માણસ : ત્રણ મહિના પહેલાં ૬૦ વર્ષનો લાગતો હતો, હાલમાં દેખાય છે બાવીસ વર્ષનો

પેરીસ, તા.૨૦ : ફ્રાન્સના જેરોમ હેમન નામના ૪૩ વર્ષના ભાઇએ અત્યાર સુધીમાં બે ચહેરા બદલાવ્યા છે અને હાલમાં ત્રીજા ચહેરા સાથે જીવી રહ્યા છે. જેરોમ વિશ્વની પહેલી વ્યકિત છે જેણે બબ્બે વાર ચહેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો હોય. આવું કઇ રીતે બને એવો સવાલ થવો સ્વાભાવિક છે. વાત એમ છે કે જેરોમને ન્યુરોફાઇબ્રોમેટોસિસ ટાઇપ વન નામની બીમારી હતી. આ બીમારીને કારણે તેના ચહેરાના ટિશ્યુઝ એકદમ ખરાબ થઇ ગયા હતા. ચહેરો એકદમ વિકૃત થઇ ગયો હોવાથી ૨૦૧૦માં પેરિસની જયોર્જિસ પોમ્પિડો હોસ્પિટલમાં તેણે ચહેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાની સર્જરી કરાવી ડો.લોરેન લેન્ટેરી નામના હેન્ડ એન્ડ ફેસ ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાતે જેરોમને નવો ચહેરો આપ્યો હતો. એ વખતે ચહેરો ડોનેટ કરનાર વ્યકિત ૬૦ વર્ષની હતી એટલે જેરામ ૩પ વર્ષનો હોવા છતાં ૬૦ વર્ષ જેટલો ઘરડો દેખાતો હતો. એ સર્જરી કર્યા પછી બધું જ બરાબર હતું. પણ થોડાંક વર્ષો પહેલાં જેરોમ બીમાર પડયો. એ માટે લીધેલી દવાઓનાં રીએકશનને કારણે ટ્રાન્સપ્લાન્ટ કરેલો ચહેરો બગડવા લાગ્યો. એ ટિશ્યુ એટલી હદે બગડી ગયા કે તાત્કાલિક તેણે હોસ્પિટલમાં દાખલ થઇને એ બગડેલા ટિશ્યુ કઢાવવા પડયા. બે મહિના સુધી તે ચહેરાના ટિશ્યુ વિના હોસ્પિટલમાં રહ્યો.  જાન્યુઆરી મહિનામાં તેને બાવીસ વર્ષના એક યુવાનના ચહેરાના ટિશ્યુ ડોનેટ થયા. ફરી એ જ ડોકટરોએ તેના ચહેરાને ટ્રાન્સપ્લાન્ટ કરવાની સર્જરી કરી. જોકે આ વખતે તેણે વધુ માત્રામાં ઇમ્યુનોસપ્રેસરન્ટ દવાઓ લેવી પડી. ત્રણ મહિના પછી હવે તેનો નવો ચહેરો સેટ થઇ ગયો છે. હજીયે તેના ચહેરાના ટિશ્યુઝને તે બહુ સારી રીતે વાપરી નથી શકતો, પણ  હવે તે ૪૩ વર્ષનો હોવા છતાં બાવીસ વર્ષ જેવો યંગ દેખાય છે.(૨૩.૮)

(4:29 pm IST)