વેઇટરે સેન્ડવિચ આપવામાં મોડું કર્યુ તો ગ્રાહકે બંદુક કાઢીને ગોળી મારી દીધી
પેરિસ તા.૧૯: ફ્રાન્સની રાજધાની પેરિસની બહારના વિસ્તારમાં પીત્ઝા અને સેન્ડવિચની એક રેસ્ટોરાંમાં ગ્રાહકે વેઇટરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એવું જાણવા મળ્યું છે કે ગ્રાહકે સેન્ડવિચ ઓર્ડર કરી હતી અને તેને વધુ રાહ જોવી પડી હતી એટલે તેને ગુસ્સો આવી ગયો. પેરિસના પૂર્વ ઉપનગર નોઇજી લે ગ્રેન્ડ રેસ્ટોરાંમાં શુક્રવારે રાતે ફાયરિંગનો અવાજ સાંભળીને રેસ્ટોરમાં સોપો પડી ગયો હતો. વેઇટરના સહકર્મીઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. ૨૮ વર્ષના વેઇટરને ખભામાં ગોળી વાગી હતી, પરંતુ તેને કોઇ સારવાર મળે એ પહેલાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. ઘટનાને નજરે જોનારા એક વ્યકિતએ કહ્યું હતું કે, બંદૂકધારી બહુ ગુસ્સામાં હતો કેમ કે તેણે ઓર્ડર કરેલી સેન્ડવિચ તાત્કાલિક તૈયાર નહોતી થઇ.તે ગોળી ચલાવતાં પહેલાં ખૂબ ગુસ્સામાં હતો અને વેઇટરને ઘાયલ કરીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ અત્યારે ઘટનાની તપાસમાં લાગી છે.