દેશ-વિદેશ
News of Monday, 19th August 2019

એક આંતરરાષ્ટ્રીય સર્વેનું તારણ

રાત્રે સારી ઉંઘ લેવામાં ભારતીયો સૌથી આગળ

સાઉદી અરબ અને ચીન ત્યાર પછીના ક્રમે

નવી દિલ્હી, તા. ૧૯ : દુનિયામાં રાત્રે સારી ગાઢનિંદ્રા લેવા બાબતે ભારતીયો સૌથી આગળ છે ત્યારે પછીનું સ્થાન સાઉદી અરબ અને ચીનનું છે. ભારતમાં ઘણા બધા લોકો સૌથી સારી ઉંઘ લે છે. એક સર્વેમાં આ બાબતનો ખુલાસો થયો છે. ફિલીપ્સ તરફથી ગ્લોબલ માર્કેટ રિસર્ચ ફર્મ કેઝેટી ગ્રુપે ૧ર દેશોના ૧૮ અને તેનાથી વધુ વય ધરાવતા ૧૧૦૦૬ લોકોનો સર્વે કર્યો હતો.

સર્વેમાં મોટા પાયે જાણવા મળ્યું કે દુનિયાભરના ૬ર ટકા લોકોએ સ્વીકાર્યું છે કે જયારે તેઓ સુવા જાય છે ત્યારે તેમને બરાબર ઉંઘ નથી આવતી. અનિંદ્રાની સૌથી વધુ તકલીફ દક્ષિણ કોરીયા અને ત્યાર બાદ જાપનના લોકોને છે. વિશ્વના ઉંમર લાયકો રાત્રી દરમ્યાન સરેરાશ ૬-૮ કલાકની ઉંઘ લે છે. જયારે રજાના દિવસે ૭ થી ૮ કલાકની ઉંઘ લેતા હોય છે. સર્વેમાં જાણવા મળ્યું કે રોજની આઠ કલાકની ઉંઘનો કવોટા પૂરો કરવા માટે ૧૦  માંથી  ૬ વ્યકિત વીક એન્ડમાં વધારે સુતા હોય છે.

૧૦ માંથી ૪ લોકોનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષોમાં તેમની ઉંઘમાં ગરડબ થઇ છે. જોકે ર૬ લોકોએ કહ્યું છે કે તેમની ઉંઘ સારી છે, જયારે ૩૧ ટકા લોકોએ કહ્યું કે તેમની ઉંઘવાની આદતમાં કોઇ ફેરફાર નથી થયો. ફિલિપ્સ ગ્લોબલ સ્લીપ સર્વે ર૦૧૯ અનુસાર, કેનેડા (૬૩%) અને સિંગાપુર (૬૧%) લોકોને ઉંઘ અંગેની તકલીફો છે. ઉંઘને અસરકર્તા પરિબળોમાં જીવનશૈલી મુખ્ય ભાગ ભજવે છે. જેમાં પાંચ મુખ્ય કારણ છે. જેને ટકાવારીમાં જોવામાં આવે તો ચિંતા/તણાવ (પ૪%), પર્યાવરણ (૪૦%) કામ અને શાળાનું શેડયુલ (૩૭%), મનોરંજન (૩૬%) અને આરોગ્ય વિષયક કારણ (૩ર ટકા) છે.

(1:05 pm IST)