દેશ-વિદેશ
News of Tuesday, 19th March 2019

ધરપકડ વહોરીને જેલમાં જવું છે ૧૦૪ વર્ષનાં દાદીને

લંડન તા.૧૯: જીવનના અંતિમ દિવસો નજીક હોય ત્યારે કેટલીક અધૂરી ઇચ્છાઓ પૂરી કરવાનું મન પ્રબળ બની જાય છે. ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરમાં રહેતાં ૧૦૪ વર્ષના એની બ્રોકન્બ્રો નામનાં એક દાદીની પણ ઘણાં વર્ષોની ખ્વાહિશ છે એકાદ દિવસ ધરપકડ વહોરીને કસ્ટડીમાં રહેવાની. આ માજી જુવાનીમાં એક કંપનીમાં સેક્રેટરી તરીકે કામ કરતાં હતાં અને રિટાયર થઇને પાછલી જીંદગી હવે બ્રિસ્ટોલના સ્ટોક બિશપ પરગણામાં એક કેર હોમમાં રહીને વિતાવી રહ્યાં છે. એક ચેરિટી ઇનિશિયેટિવના ભાગરૂપે કેર  હોમમાં રહેતા વૃદ્ધોની કઇ ઇચ્છાઓ અધૂરી રહી ગઇ છે એ જાણવા માટે એક સંસ્થાના લોકોએ બધાની પાસે એક ફોર્મ ભરાવડાવ્યું હતું. એ ફોર્મમંા આ શતકવીર માજીએ લખ્યું હતું કે 'હું ઇચ્છું છું કે ... મારી ધરપકડ થાય. હું ૧૦૪ વર્ષની છું અને આજ દિન સુધી મેં કોઇ કાયદો તોડયો નથી.'

હવે જયારે સંસ્થાના લોકોએ માજીની આ ઇચ્છા સાંભળી ત્યારે પહેલાં તો તેમણે ફરી એક વાર મોૈખિક ખરાઇ કરી લીધી કે તમે ખરેખર અરેસ્ટ થવા માગો છો કે પછી મજાક કરો છો. જો કે એનીબહેને સ્પષ્ટપણે એક વાર તો ધરપકડ વહોરવી છે એવી ઇચ્છા વ્યકત કરતાં સંસ્થાએ સ્થાનિક પોલીસને આ કિસ્સાની જાણ કરી હતી. પોલીસે પણ કોઇ વૃદ્ધાની આવી અનોખી ઇચ્છા સાંભળીને એ પૂરી કરવાની હા પાડી દીધી. આગામી એક-બે દિવસમાં પોલીસ કેર હોમ પર આવીને માજીની ધરપકડ કરી જશે અને તેમને એક દિવસ માટે કસ્ટડીમાં રાખીને પછી પાછાં મૂકી જશે.

(3:44 pm IST)