દેશ-વિદેશ
News of Monday, 19th March 2018

નવા ઉદ્યોગપતિઓની મદદ માટે

શિકાગો યુનિવર્સિટીને ભારતીય અમેરિકનની ૩૨.૫ કરોડની ગ્રાન્‍ટ

આંખો બંધ કરી વિચાર્યું કે આ દેશમાં હું આવ્‍યો ત્‍યારે મારી પાસે શું હતું? અને ચેક લખી નાખ્‍યોઃ રતન ખોસા

એક ભારતીય અમેરિકન ઉદ્યોગપતિએ નવોદિત ઉદ્યોગપતિઓની મદદ માટે શિકાગો યુનિવર્સિટીને રૂા. ૩૨.૫ કરોડ (૫૦ લાખ ડોલર)ની ગ્રાન્‍ટ આપી છે. ૭૯ વર્ષીય રતન એલ. ખોસાએ પોલસ્‍કાઈ કેન્‍દ્રમાં ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમને લોન્‍ચ કરાયા પછી આ રકમ દાનમાં આપી છે. તેમણે કહ્યું હતું,  ‘જે દિવસે મેં આ નવા કાર્યક્રમ માટે ચેક લખ્‍યો હતો, ત્‍યારે હું બેસી ગયો હતો અને આંખો બંધ કરી દીધી હતી. મેં આ દેશમાં મારા પ્રથમ દિવસ માટે વિચાર્યુ હતું કે એ સમયે હું કેટલો નાનો વેપારી હતો.' તેમણે કહ્યું હતું કે હું એ વાતનો આભારી છું કે ઉદ્યોગ જગતમાં કદમ રાખનારી આવનારી પેઢીની મદદ કરવામાં હું સક્ષમ બની શક્‍યો છું.

મૂળ કાશ્‍મીરના રતન એલ. ખોસા ૧૯૭૦માં અમેરિકા આવ્‍યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ મેરિલેન્‍ડમાં રિસર્ચ ફેલોશીપ કર્યુ હતું. જયારે તેમણે યુનિવર્સિટી જોઈન કરી હતી ત્‍યારે તેમની પાસે માત્ર ૩ ડોલર જ હતા. તેના પછી ખોસાએ પોતાની કંપની એમસિસ્‍કો'ની શરૂઆત વર્ષ ૧૯૮૧માં પોતાના ઘરના બેઝમેન્‍ટમાં કરી હતી.

(11:53 am IST)