દેશ-વિદેશ
News of Wednesday, 18th July 2018

રોલ્સ-રોયસ બનાવશે ફલાઇંગ ટેકસી

લંડનઃ તા.૧૮, વિમાનનાં એન્જિન પણ બનાવતી રોલ્સ-રોયસે ફલાઇંગ ટેકસીનો કન્સેપ્ટ તૈયાર કર્યો છે અને આગામી ૧૮ મહિનામાં એ તૈયાર થશે અને ઇંગ્લેન્ડના હેમ્પશરમાં આવતા અઠવાડીયે થનારા એર-શોમાં પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આવી ફલાઇંગ ટેકસી બનાવનારી રોલ્સ-રોયસે કંપની પહેલી હશે. ઇલેકટ્રીક વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ (ઇવીટીઓએલ) કન્સેપ્ટ વેહિકલ એકસાથે પાંચ લોકોને બેસાડી શકશે. આ ટેકસી સંપુર્ણ રીતે ઇલેકટ્રીક નહિ હોય . એમા એક ગેસ ટર્બાઇન એન્જિન હશે જે વિંગ્સ અને ટેકસીની પાછળના હિસ્સામાં લાગેલી ૬ ઇલેકટ્રીક મોટર્સને ચાલુ કરશે. રોલ્સ-રોયસનો દાવો છે કે આવી હાઇબ્રીડ ડિઝાઇન વધારે વ્યવાહારીક છે કારણકે રીચાર્જીંગની સરખામણીમાં રીફયુઅલીંગમાં ઓછો સમય લાગે છે. પ્લેન, હેલીકોપ્ટર, અને શિપનાં એન્જિન બનાવતી કંપની રોલ્સ-રોયસ માત્ર કાર બનાવતી કંપની નથી. હવે ફલાઇંગ ટેકસી બનાવીને કંપની નવા ક્ષેત્રમાં સાહસ કરી રહી છે. એક વાર ચાર્જ કર્યા બાદ આ ટેકસી ૮૦૦ કિલોમીટરનું અંતર કાપી શકશે. શહેરોમાં આનો મોટો ઉપયોગ થશે કારણ કે વધતી જતી વસ્તીમાં આ એક વ્યવહારૂ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા બની શકશે. એમા ગેસ ટર્બાઇન એન્જિન હોવાથી વારંવાર ચાર્જ કરવાની પણ જરૂર પડશે નહી.

(4:33 pm IST)