દેશ-વિદેશ
News of Monday, 18th March 2019

હિમાલય પર ૧૬,૨૨૭ ફુટ ઊંચે પિયાનો કોન્સર્ટ કરી આ બહેને

લંડન તા.૧૮: બ્રિટનમાં રહેતાં એવેલિના દ લેઇન નામનાં બહેને દોઢ વર્ષ પહેલાં પોતાની માને ગુમાવી એ પછી તેઓ ડિપ્રેશનમાં સરી પડયાં. તેમનાં મમ્મી મ્યુઝિક ટીચર હતાં અને એવેલિના પિયાનોવાદક. માની યાદમાં કંઇક કરવું છે એવું વિચારતી એવેલિનાના લંડનમાં રહેતા ડેશમન્ડ જેન્ટલ નામના ભાઇએ આઇડિયા આપ્યો હાઇ અલ્ટિટયુડ કોન્સર્ટનો. એવેલિનાને પણ વાત ગમી તો ગઇ. તેના કેટલાક દોસ્તો અને ડેશમન્ડની સાથે તેણે હિમાલયની ચોટી પર જઇને પિયાનો વગાડવાનું બીડું ઝડપ્યું. આખી ટીમ ભારત આવી. પિયાનો પણ લંડનથી જ મગાવ્યો હતો. કાર્ગોમાં મોકલેલો પિયાનો તેને લેહ પહોંચીને મળ્યો. અહીં એનું થોડુંક સમારકામ કરાવ્યું અને ઊંચાઇ સાથે શરીર તાલમેલમાં આવે એ માટે થોડાક દિવસનો બ્રેક લીધો. એ પછી સતત સાત કલાક પહાડીઓમાં ડ્રાઇવ અને ચડાણ કરીને તેમની ટીમ ૧૬,૨૨૭ ફુટની ઊંચાઇએ પહોંચી. ચોટી પર પહોંચ્યા પછી અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. એમ છતાં એવેલિનાએ લગાતાર એક કલાક સુધી પિયાનો પર ધૂનો વગાડી. તેણે તેની મમ્મીએ કમ્પોઝ કરેલી ટયુન વગાડીને ખરા અર્થમાં ટ્રિબ્યુટ આપી અને ગિનેસ વર્લ્ડ રેકોડ્સે આ ઇવેન્ટને સોથી ઊંચાઇએ યોજેલી પિયાનો કોન્સર્ટનો ખિતાબ આપ્યો.

(9:54 am IST)