દેશ-વિદેશ
News of Monday, 18th January 2021

વોશિંગટનમાં હિંસાના ખતરાથી સુરક્ષા અધિકારીઓએ વધુ એક સૈનિકોને મોકલવા માટેની માંગણી કરી

નવી દિલ્હી:          વોશિંગ્ટનમાં હિંસાના ખતરાથી સુરક્ષા અધિકારીઓએ વધુ સૈનિકો મોકલવાની માંગણી કરી હતી. આ બાદ મોટી સંખ્યામાં સૈનિકો જુદા-જુદા રાજ્યોમાંથી બસ અને વિમાન મારફત પાટનગર આવવા લાગ્યા છે. તા.20ના બાઇડનના શપથ ગ્રહણ પૂર્વે અમેરિકાની રાજધાની છાવણીમાં ફેરવાઇ ગઇ છે. નવા રાષ્ટ્રપતિ પદ સંભાળે તે પહેલા સૈન્યના અધિકારીઓએ રાજ્યના ગર્વનર સાથે નેશનલ ગાર્ડ મોટી સંખ્યામાં મોકલવા ચર્ચા કરી હતી. જેનાથી શપથ ગ્રહણ પહેલા મોટા ભાગના વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરી શકાય. તા.6 જાન્યુઆરીએ અમેરિકી સંસદ ભવન કેપીટલ પર ટોળાએ હુમલો કર્યો હતો. હિંસક કટ્ટરપંથીઓ વધુ તોફાન કરે તેવો ભય છે. થોડા દિવસોમાં રાજધાનીમાં 25 હજાર સૈનિકો ખડકાઇ જવાનું અનુમાન છે. સાત હજાર સૈનિકો મેરીલેન્ડમાં જોઇન્ટ બેઇઝ એન્ડુઝ પર મુક્યા છે. બસ અને લશ્કરના ટ્રકમાં બેસીને પણ જવાનો આવી રહ્યા છે. આ રીતે અમેરિકામાં સત્તાગ્રહણ પૂર્વે પણ પ્રથમ વખત તનાવનો માહોલ ઉભો થયો છે.

(6:08 pm IST)