દેશ-વિદેશ
News of Saturday, 18th January 2020

છોકરીઓને દાઢીવાળા કે દાઢી વગરનાં છોકરા ગમે? રિસર્ચમાં રસપ્રદ જવાબ

૧૮ થી ૭૦ વર્ષની મહિલાઓનો સર્વેમાં સમાવેશ

મુંબઇ, તા.૧૮: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીથી લઈને બોલિવુડના સેલિબ્રિટિઝમાં આજકાલ દાઢી વધારવાનો શોખ છે. દાઢીની ફેશનના આ સમયમાં છોકરીને ખરેખર કેવા છોકરા ગમે છે, દાઢીવાળા કે કલીન શેવવાળા? જેના જવાબમાં કરવામાં આવેલ રિસર્ચમાં રસપ્રદ જવાબ મળી આવ્યો છે.

એક રિસર્ચ મુજબ ચહેરા પર દાઢી રાખતા યુવાનો મહિલાઓને વધુ આકર્ષિત કરે છે. શોધકર્તાઓનું કહેવું છે કે દાઢી ધરાવતા યુવાનો શારીરિક અને સામાજિક સ્તરે વધુ પ્રભાવી લાગે છે. આ કારણે જ મહિલાઓ તેમના તરફ વધુ આકર્ષિત થાય છે.

આ રિસર્ચમાં એવી મહિલાઓની માનસિકતા પર ખુલાસો પણ કરવામાં આવ્યો છે જેમને દાઢીવાળા યુવકો પસંદ નથી પડતા. રિસર્ચ મુજબ આવી મહિલાને જૂં અથવા બેકટેરિયાનો ડર હોય છે આ કારણે જ તેઓ દાઢીવાળા પુરુષોથી દૂર રહે છે.

આ રિસર્ચ માટે અમેરિકામાં અંદાજે ૧૦૦૦ મહિલાઓને સંશોધનમાં સામેલ કરવામાં આવી હતી. જેમાં તેમને પાર્ટનરના ચહેરા પર દાઢીને લઈને કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ કવીંસલેન્ડના સંશોધનકર્તાઓએ ૧૮થી ૭૦ વર્ષની મહિલાઓને આ સર્વેમાં સામેલ કરી હતી.

તેમને કેટલાક પુરુષોની તસવીરો દેખાડાઈ હતી જેમાં કેટલાક દાઢીવાળા તો કેટલાક કલીન શેવ પુરુષો હતા. જયારે કેટલાકના ચહેરાને ફોટોશોફ્ટથી સોફ્ટ બનાવાયા હતા. તો કેટલાકને એકદમ ખડતલ બનાવાયા હતા. મહિલાઓને આ ફોટોઝ જોયા બાદ આકર્ષણ માટે શૂન્યથી લઈને ૧૦૦ સુધીના અંકના રેટિંગ આપવા જણાવાયું હતું.

પરિણામમાં જોવા મળ્યું કે મોટાભાગની મહિલાઓએ દાઢીવાળા પુરુષો વધુ પસંદ પડ્યા. તેમાં પણ સાથે જે પુરુષનો ફેસ વધુ ખડતલ હતો તે મહિલાઓને વધુ આકર્ષી શકયા. પરંતુ જે મહિલાઓને બેકટેરિયા અને ગંદકીનો ડર હતો તેમને દાઢીવાળા પુરુષોને પસંદ ન હતા.

(10:07 am IST)