દેશ-વિદેશ
News of Thursday, 17th June 2021

લંબે બાલો વાલી લડકી કી કહાનીઃ પોણા પાંચ ફીટ લાંબા વાળ ખરીદવા એક વ્યકિતએ ઓફર કરી અઢી કરોડથી પણ વધારે રકમ

વાળના અનેક ચાહકો છે અને કેટલાંક તો માત્ર વાળનો સ્પર્શ કરવા પૈસા આપવા તૈયાર છે

લંડન, તા.૧૭: લાંબા વાળ હોવા એ સૌભાગ્યની વાત છે. દરેક યુવતીઓ પોતાના વાળ લાંબા કરી શકતી નથી. બ્રિટનના માન્ચેસ્ટરમાં રહેતી કેટરીના ડેમર્સના વાળ ચાર ફીટ અને દસ ઈંચ (કુલ ૫૮ ઈંચ) લાંબા છે. એ વાળના અનેક ચાહકો છે અને કેટલાંક તો માત્ર વાળનો સ્પર્શ કરવા પૈસા આપવા તૈયાર છે.

એક ચાહકે તો બધા વાળ ખરીદી લેવા માટે ૩.૫ લાખ ડોલર (રૂપિયા અઢી કરોડથી વધારે) રકમ પણ ઓફર કરી હતી. આટલા લાંબા વાળ શા માટે કર્યા? તેનો જવાબ આપતા કેટરીનાએ કહ્યું હતું કે, નાની હતી ત્યારે મારા વાળ છોકરીને બદલે છોકરા જેવા હતાં. તેનો પરિવાર પણ વાળ કપાવીને ટૂંકા કરી નાખતો હતો.

દસ વર્ષની થઈ ત્યારે કેટરીનાના ટૂંકા વાળને કારણે બધા તેને છોકરો સમજી બેસતા હતાં. ત્યારથી તેણે વાળ વધારવાનું શરૂ કર્યુ. હવે એટલા લાંબા થયા છે કે એ જયાંથી નીકળે ત્યાં લોકો તેના વાળ જોતા રહે છે. એ ઈન્સ્ટા પર નિયમિત રીતે હેર સ્ટાઈલના ફોટા મુકતી રહે છે. ઈન્સ્ટા પર તેના લાખો ફોલોઅર્સ પણ છે.

એ વાળ કઈ રીતે મેઈન્ટેઈન કરે છે, તેની વિગત આપતા કહ્યું હતું કે અઠવાડિયામાં બે વાર શેમ્પુથી ધૂએ છે. પરંતુ ખરી મુશ્કેલી વાળ ધોયા પછી થાય છે. કેમ કે વાળ સૂકવતા અને ઓળતાં બે કલાક લાગે છે. આમેય જેમ લાંબા વાળ થાય એમ તેને સાચવવા અઘરા પડે. દરેક યુવતીઓ લાંબા વાળ સાચવી શકતી નથી. એટલે વધારતી પણ નથી હોતી.

વાળ મુલાયમ રહે એટલા માટે સુકાતા ગમે તેટલી વાર લાગે તો પણ કેટરીના તેના પર કયારેય ડ્રાયર મારતી નથી. છેલ્લાં દસ વર્ષથી તેણે વાળ કપાવ્યા નથી, પરંતુ જરૂર પ્રમાણે ટ્રીમ કરાવતી રહે છે. કેટરીનાના વાળ જોઈને પુરુષો તો ઠીક મહિલાઓ પણ તેની પાસે આવે છે અને વાળ અડવા માટે પૂછપૂરછ કરે છે. જર્મન ઉદ્યોગપતિએ તો સાડા ત્રણ લાખ ડોલર આપવાની તૈયારી કરી હતી, જો કેટરીના વાળ કાપીને તેમને આપે તો. કેટરીનાએ એ તોતીંગ ઓફર ઠુકરાવી દીધી હતી.

(10:24 am IST)