દેશ-વિદેશ
News of Friday, 17th May 2019

લસણ ડુંગળી કેટલા ફાયદાકારક?

ડુંગળીમાં વિટામીન સી, B૬, પોટેશ્યમ અને ફોલેટ લસણમાં વીટામીન સી, B૬, થીઆમીન,પોટેશ્યમ, કેલ્શીયમ, ફોસ્ફરસ, તાંબુ અને મંેગેનીઝનો ભંડાર 

લસણ અને ડુંગળી મોટાભાગના ઘરના રસોડા સાથે અતૂટ રીતે જોડાયેલા છે. પણ ખરેખર તેના ઉપયોગથી આરોગ્ય વિષયક ફાયદાઓ છે કે પછી તે ગધ અને સ્વાદનાજ કામમાં આવે  છે?

જે લોકો વિટામીનો મેળવવા માટે રંગબેરંગી ફળો અને શાકભાજીઓ ખાય છે તેઓ કદાચ એવું માનતા હોય છે કે લસણ, ડુંગળીમાં આ બધા વીટામીનો નથી મળતા પણ નિષ્ણાતો કહે છે કે ડુંગળી અને લસણમાં ન્યુટ્રીઅન્ટનું પાવર હાઉસ ભરેલું છે.

દરેક કલરની ડુંગળીમાં વીટામીનસી,બી-૬, પોટેશ્યમ અને ફોલેટ હોય છે જયારે લસણમાં વીટામીન સી,બી-૬,થીઆમીન, પોટેશ્યમ, કેલશીયમ, ફોસ્કરસ, તાંબુ અને મેંગેનીઝનો ભંડાર છે. ઉપરાંત, ડુંગળી અને લસણમાં ઓછી કેલરી હોય છે અને તેની ગંધના કારણે તમારી ડીશ માખણ કે મીઠુ ઉમેર્યાવગર પણ તૈયાર કરી શકો છો જેનો તમને વધારાનો ફાયદો મળે છે તેમ કેલીફોર્નીયાના રજીસ્ટર્ડ ડાયેટીશ્યન જેસીકા જોન્સ કહે છે.

જોન્સ કહે છે રોજીંદી રસોઇમાં લસણ ડુંગળી વાપરવાથી તમને સારો સ્વાદ તો મળે જ છે પણ તેનાથી તમને ઘણા આરોગ્ય વિષયક ફાયદાઓ પણ મળે છે.

કંદમાં આવતા લસણ અને ડુંગળી, કાચી, પાકી, તેના પાંદડા કોઇ પણ રીતે ખાઇ શકાય છે અને તેના ફાયદાઓ અનેક છે. આયુર્વેદમાં પણ તેને અનેક દવાઓમાં વાપરવામાં આવે છે.

ડુંગળી અને લસણ જેવા કંદ ઓર્ગેનો સલ્ફર થી ભરપુર હોય છે જે રીસર્ચ અનુસાર કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં ફાયદા કારક છે ઉપરાંત તે કેન્સર અને હૃદયરોગમાં પણ ફાયદો કરે છે. પણ તે સ્પષ્ટ નથી થયું કે ખાધા પછી તે પદાર્થ શરીરમાં કેવી રીતે કામ કરે છે. કેટલાક રીસર્ચમાં કહેવાયું છે કે કાચુ લસણ વધુ ફાયદા કારક છે. તેથી અમુક વૈજ્ઞાનિકો ભલામણ કરે છે કે લસણને રાંધતા પહેલા ૧૦ મીનીટથી વધારે સમય પહેલા ક્રશ અથવા ચોપન કરવું જોઇએ.

ડુંગળી અને લસણમાં ફાયટોકેમીકલ્સ હોય છે જે શારિરીક પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. રીસર્ચના તારણ પ્રમાણે ફાયદો કેમીકલ્સથી રોગપ્રતિકાર શકિત વધે અને કેન્સર થવાનું જોખમ ઘટે છે, કોષોને નુકસાન થતું અટકે છે અને ડીએનએને નુકસાન થતું અટકે છે ડુંગળીમાં એન્ટી બેકટેરીયલ અને એન્ટી વાઇરલ ગુણધર્મો હોય છે.

એટલું તો સ્પષ્ટ છે કે ડુંગળી-લસણ આંતરડાના આરોગ્ય માટે સારા છે કેમ કે તેમાં પ્રી બાયોટીકસ કંપાઉન્ડ હોય છે જે આંતરડાનું આરોગ્ય સારૂ રાખે છે એમ કેન્સાસ સીટીના રજીસ્ટર્ડ ડાયેટીશ્યન દ્વારા હાર્બસ્ટ્રીટ કહે છે. ૨૦૧૮ના એકરીસર્ચ અનુસાર લસણ અને ડુંગળીમાં રહેલા પ્રી બાયોટીક રેસા, કેટલાક ફળો, શાકભાજી કે આખા દાણામાંથી મળતા રેસા કરતા પણ આંતરડા માટે વધારે સારા છે.

જો કે એક અગત્યની ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે લસણ અને ડુંગળીમાં વધુ માત્રામાં FODMAP હોય છે જે એક પ્રકારની કાર્બો હાઇડ્રેટની નાની સાંકળ હોય છે અને કેટલાક લોકોના નાના આંતરડામાં તે શોષાવામાં મુશ્કેલી પડે છે લસણ ડુંગળી વધારે પડતા ખાવાથી લોકોની તાસીર અનુસાર ગેસ,બંધકોષ,ઝાડા જેવી તકલીફો થઇ શકે છે તેવું જોન્સ કહે છે. લસણ અને ડુંગળીના પાઉડરથી પણ આ તકલીફ થઇ શકે છે.

(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:31 pm IST)