દેશ-વિદેશ
News of Monday, 16th December 2019

જાણો છો થાઇલેન્ડમાં બુદ્ધની મૂર્તિ પાસે ધ્યાન કરીને પરગ્રહવાસીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન થાય છે

માણસ પૃથ્વીની આસપાસના ગ્રહોમાં શું જીવસૃષ્ટિ શકય છે કે કેમ એની શોધમાં હાલ આકાશ પાતાળ એક કરી રહ્યો છે ત્યારે બીજા ગ્રહો પર ઓલરેડી કોઇક વસે છે એવી માન્યતા પ્રવર્તે છે. આ પરગ્રહવાસીઓ પૃથ્વી પર આવતા હોવાની અથવા તો પૃથ્વીના લોકો સાથે સંપર્ક સાધવાની કોશિશ પણ કરે છે એવું કેટલાક લોકો માને છે. થાઇલેન્ડમાં ખાસ યુએફઓ ગ્રુપ છે જે લોકો એવો દૃઢ વિશ્વાસ ધરાવે છે કે પરગ્રહવાસીઓ અસ્તિત્વ ધરાવે છે અને તેમની સાથે વાતો પણ કરી શકાય એમ છે. આ માટે નખોન સાવન વિસ્તારમાં આવેલી ખાઓ કાલા નામની પહાડી બહુ જાણીતી છે. આ જગ્યાને સ્વર્ગીય સિટી કહેવામાં આવે છે. અલબત્ત, અહીં સુપર નેચરલ પાવરમાં માનતા લોકો વધુ મુલાકાતે આવે છે. બેન્ગકોકથી ત્રણે કલાકના ડ્રાઇવ પર આવેલી આ પહાડી પર બુદ્ધની એક ખાસ પ્રતિમા છે જેની નિશ્રામાં લોકો એલિયન સાથે સંપર્ક બનાવવા માટે ધ્યાન કરે છે. સ્થાનિકોનું માનવું છે કે આ હિલ પર એક છિત્ર છે જે કોઇ નરી આંખે જોઇ શકતું નથી અને એના માધ્યમથી એલિયન્સ સાથે સંપર્ક થઇ શકે છે. ચોમેર શેરડીનાં ખેતરોની વચાળે આવેલી ખાઓ કાલા હિલ એલિયન ટૂરિઝમના આકર્ષણને કારણે ફેમસ થઇ ગઇ છે. અહીં સ્થાપિત બુદ્ધ ભગવાનની મૂર્તિના માથા પર સાત મોઢાંવાળો સાપ પણ છે. યુએફઓ ગ્રુપના લોકો અહીં લાંબા કલાકો ધ્યાનમાં બેસી રહે છે. સુપરનેચરલ પાવરમાં બિલીવ કરનારા લોકોનું કહેવું છેકે આ ગ્રુપના લોકોએ પ્લુટો અને અન્ય એક ગ્રહ પર વસતાં એલિયન્સનો સંપર્ક કરવામાં સફળતા મેળવી છે.

(3:54 pm IST)