અહો આશ્ચર્યમ : બિલાડી એના મિત્ર ડોગીને મસાજ કરી આપે છે
નવી દિલ્હી,તા.૧૬: સામાન્યપણે વાતે-વાતે લડનારાઓ માટે કૂતરાં-બિલાડાંની જેમ ઝદ્યડતા હોવાની ઉપમા આપવામાં આવે છે. આ ઉપમાને ખોટી પાડે એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં વિયેટનામમાં રસ્તાની કિનારે એક બિલાડી આગળના પંજા વડે કૂતરાને છાતીના ભાગે મસાજ કરી રહી છે. દુર્લભ એવા આ દૃશ્યમાં બિલાડી એના પાછલા પગે ડોગી પાસે બેસીને આગળના પંજાથી ડોગીના બે પગ વચ્ચે મસાજ કરે છે તો સામા પક્ષે ચોકલેટ કલરનો લેબ્રાડોર ક્રોસ બ્રીડનો ડોગી પણ પાછલા પગે બેસીને આરામથી બિલાડીને મસાજ કરવા દે છે. વચ્ચે-વચ્ચે ડોગી પોતાની આંખો ઝપકાવીને મસાજનો આનંદ માણતો દેખાય છે. આ વિડિયો વાઇરલ થયા બાદ ડોગી અને બિલાડી જેવાં પ્રાણીઓ પાળનારાઓએ પોતાનાં મંતવ્યો વ્યકત કર્યાં છે. ૮૦ ટકા કરતાં વધુ લોકોનું કહેવું છે કે એક સમયનાં આ જાની દુશ્મનો વચ્ચે મિત્રતા જોવા મળી રહી છે, તો ત્રણ ટકા લોકો જણાવે છે કે તેમના પાળેલાં ડોગી અને બિલાડી એક રૂમમાં રહી શકતાં નથી. જયારે ૬ ટકા લોકોએ જણાવ્યું કે બિલાડીઓ એનાં રમકડાં ડોગીને રમવા આપતી હોય છે.