દેશ-વિદેશ
News of Saturday, 16th October 2021

આ તો ગઝબ થઇ ગયું...ઓસ્ટ્રેલિયામાં 3000 વર્ષ જૂનો સોનાનો કટોરો મળી આવ્યો

નવી દિલ્હી: પુરાતત્વવિદોને ઓસ્ટ્રિયામાંથી ત્રણ હજાર વર્ષ જૂનો સોનાનો કટોરો મળી આવ્યો છે. આ સુવર્ણ કટોરામાં સૂર્યનું ચિત્ર અંકિત થયેલું હોવાથી તેને સૂર્ય કટોરો નામ આપવામાં આવ્યું છે. સોનાના વાટકાની અંદરની બાજુ સૂર્યનું ચિત્ર છે અને બહાર બીજું નકશીકામ થયું છે. સૂર્ય કટોરો આઠ ઈંચ જેવડો છે. તેની ઊંડાઈ માત્ર બે ઈંચ છે. એ સુવર્ણ કટોરાની બનાવટમાં ૯૦ ટકા સોનું અને પાંચ-પાંચ ટકા ચાંદી-તાંબાનો ભાગ વપરાયો હતો.

જર્મનીની કંપની નોવેટ્સના ખોદકામ દરમિયાન આ કટોરો મળી આવ્યો હતો. જે સમયગાળો કાંસ્યયુગ તરીકે ઓળખાય છે એ વખતે પણ સોના ઉપર બેનમૂન કારીગરી થતી હતી એનું ઉદાહરણ જોવા મળ્યું હતું. કટોરાનો ઉપયોગ કોઈ ખાસ પ્રસંગોએ કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં થતો હશે એવો અંદાજ પુરાતત્વવિદોએ રજૂ કર્યો હતો. અગાઉ યુરોપના વિવિધ સ્થળોએથી ત્રીસેક સુવર્ણ કટોરા મળી ચૂક્યા છે, પરંતુ એ બધાથી આ અલગ છે અને એમાં વધારે નકશીકામ જોવા મળે છે. કટોરાની સાથે બે સોનાના બ્રેસલેટ સહિતની સામગ્રી પણ મળી છે. ઓસ્ટ્રિયામાં જે સ્થળે ખોદકામ થયું છે, ત્યાંથી સંશોધકોને ૫૦૦ જેટલી કાંસાની વસ્તુઓ પણ મળી આવી છે. કાંસ્યયુગમાં માણસે સોનાની બનાવટમાં આટલી મહારથ કેવી રીતે મેળવી હશે એ હવે સંશોધકો માટે નવો કોયડો બન્યો છે.

(6:24 pm IST)