દેશ-વિદેશ
News of Tuesday, 16th October 2018

ફ્રાંસના અનેક વિસ્તારો પાણીમાં: ખ્રિસ્તી સાધ્વી ડૂબી ગઈ

પેરિસ,તા.૧૬: ફ્રાન્સના દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં ભારે પૂરથી વોટરબેઝમાં પ્રવાહ તોફાની બનતા એક નન સહિત ૧૩નાં મોત થયા હતા. જેમાંના નવ તો એક જ ગામના હતા. રાત્રિભર ચાલુ રહેલા વરસાદ અને તોફાનને કારણે લોકોને ઘરના છાપરા ઉપરથી હેલિકોપ્ટર દ્વારા બચાવાયા હતા. આ વિસ્તારમાં મહિનાઓનો વરસાદ થોડા કલાકમાં જ તૂટી પડયો હતો.

જેમાં ફ્રાન્સના કરાકાસોનનું ટ્રેબીસ ગામની ભારે દુર્દશા થઈ હતી. આ ગામમાં જળબંબાકારથી નવનાં મોત થયા હતા. જયારે  અન્ય એક ગામમાં ચાર જણના મોત થયા હતા. જિલેજેથેન ગામના એક નિવાસીએ જણાવ્યું હતું કે, નદીમાં પાણીની સપાટી એકાએક વધી જતા લોકો છાપરા પર ચઢી ગયા હતા. તેમને હેલિકોપ્ટરથી બચાવાયા હતા. તેણે તૂટી પડેલા બ્રિજનો વિડિયો પણ શેર કર્યો હતો. અન્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો હતો. શાળાઓ બંધ રાખવી પડી હતી. ઓરબીચ ગામે નદીના પાણીમાં છ મીટરનો એકાએક વધારો થતા ઘણા માણસો તણાઈ ગયાની ભીતિ હતી.

પ્રચંડ પૂરના પાણી ગામોમાંથી પસાર થતા સંખ્યાબંધ કાર રમકડાની જેમ તણાતી જોવા મળી હતી. ફ્રાન્સ સરકારે તાત્કાલીક બચાવ ટુકડી અને હેલિકોપ્ટર તૈનાત કર્યા હતા. લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપી છે.

(3:44 pm IST)