દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

જમ્યા પછી પૈસા ખૂટતાં માત્ર ૧૧ રૂપિયા માટે પિતા દીકરીને રેસ્ટોરામાં ગીરવી મૂકીને ગયો

બીજીંગ તા. ૧૬: દક્ષિણ ચીનના ફોશાન શહેરમાં એક ભાઇ દીકરીને લઇને રેસ્ટોરમાં જમવા ગયા. તેમણે નૂડલ્સનો ઓર્ડ ર આપ્યો જેની કિંમત હતી ૬ યુઆન એટલે કે લગભગ ૬ર રૂપિયા. જમવાનું પતાવીને તેણે ખિસ્સાં ફંફોસ્યાં તો એમાંથી પાંચ યુઆન (લગભગ પ૧ રૂપિયા) જ નીકળ્યા. તેણે પાંચ યુઆન ચુકવી દીધા અને પોતે એક યુઆન લઇને આવે ત્યાં સુધી પોતાની દીકરીને અહીં રાખી મૂકો એમ કહીને ત્યાંથી ચાલતી પકડી લીધી. દીકરી રડતી-રડતી તેને પાછળ જાય છે તો તેને ધમકાવીને પાછી રેસ્ટોરાંમાં મોકલી દે છે. પપ્પા જતા રહ્યા એ જોઇને દીકરી ભેંકડો તાણે છે. રેસ્ટોરાંનો સ્ટાફ તેને કિચનમાં લઇ જાય છે અને સોયા મિલ્ક તેમજ ચોકલેટ્સ આપીને શાંત પાડવાની કોશિશ કરે છે. એક યુઆન લેવા ગયેલો દીકરીનો પિતા ખાસ્સી વાર પછી પણ પાછો નથી આવતો ત્યારે રેસ્ટોરાંના માલિકને લાગે છે કે આ ભાઇ દીકરીને ગીરવી મૂકવાના બહાને છોડીને ભાગી ગયો લાગે છે. શંકાના આધારે માલિક પોલીસને ફોન કરે છે અને પોલીસ પણ દીકરીને મૂકી ગયેલા પિતાની શોધ ચલાવે છે. પોલીસના હાથે ભાઇસાહેબ પકડાય છે ત્યારે તે પોલીસને આ મામલામાં ઇન્વોલ્વ કરવા બદલ ઉલટાનો માલિક પર ચડી બેસે છે. પોલીસને આપેલ બયાનમાં ભાઇસાહેબ ફરી ફરીને એક જ વાત દોહરાવે છે કે તે રેસ્ટોરાંને આપવાનો એક યુઆન લેવા જ ગયેલો, પરંતુ તેને ઇલેકિટ્રક સ્કૂટર ડિસ્ચાર્જ થઇ ગયું હોવાથી એને ચાર્જ કરવા માટે તેને કલાકો લાગ્યા હતા. પોલીસે તો આ વાત માની લીધી, પણ સોશ્યલ મીડિયામાં ૧૧ રૂપિયા ખાતર દીકરીને ગીરવી મૂકી દેનારા બાપને જબરદસ્ત  વખોડવામાં આવ્યો છે.

(4:11 pm IST)