અજીબ ચોર
સ્ટોરમાં જઇને પૂછયું કે ચોરી કરુ? મેનેજરે ના પાડતાં પોલીસમાં જઇને સરેન્ડર કરી આવ્યો
ટોકીયો તા.૧૫: જપાનના લોકો બહુ જ શિષ્ટાચારવાળા છે એવી છાપ છે. જો કે અહીંના ચોર પણ કેટલા શિષ્ટ છે એનો એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. પાંચમી ઓકટોબરે જપાનના ઓગોરી શહેરમાં લોસન સ્ટોરમાં મોડી રાતના સમયે એક માણસ ખૂબ ઝડપથી ઘૂસ્યો. એ વખતે સ્ટોરમાં કોઇ નહોતું. તેણે આવીને મેનજરને કહયું, 'હું અહીં ચોરી કરવાના આશયથી આવ્યો છું. શું તમે મને મારા કામમાં સહકાર આપશો?' એકદમ વિનંતીના સ્વરે કોઇ ચોરી કરવાની વાત કરે તો સામેવાળો શું જવાબ આપે? મેનેજર સવાલ સાંભળીને પહેલાં તો બઘવાઇ ગયો, પરંતુ પછી તેણે પણ એટલી જ શિષ્ટતાથી અહીં ચોરી કરવા નહીં મળે એવું જણાવી દીધું. કદાચ આ પછી પેલા ચોરે હથિયાર કાઢીને ધમકી આપી હશે એવું જો તમે ધારતા હો તો એવું ન થયું. ચોરી કરવાના આશયથી આવેલા ભાઇ એમ જ સ્ટોરમાંથી નીકળી ગયા અને ત્યાંથી તેમણે સીધા નજીકના પોલીસ-સ્ટેશનમાં જઇને સરેન્ડર કરી દીધું. આત્મસમર્પણ કરીને તેણે કહયું કે તેણે ચોરીનો પ્રયપ્ત કર્યો હતો પણ નિષ્ફળ ગયો હતો. પોલીસે વિગતો પૂછી તો તેણે પોતે કયા સ્ટોરમાં ચોરી કરવા ગયેલો એ કહી દીધું. પોલીસે આ સ્ટોરમાં તપાસ કરાવી તો મેનેજરે આ ઘટના ઘટી હોવાનું સમર્થન કર્યું. પોલીસે આખરે તેના પર ચોરીનો પ્રયત્નનો ગુનો નોંધ્યો હતો. પોલીસનું માનવંુ છે કે આ ખરેખર ચોર નથી, પરંતુ પોતાની અરેસ્ટ કરાવવા માગતો હોવાથી જાતે કરીને ઊભું કરેલું તૂત છે. એ તૂત છે એવું જાણવા છતાં પોલીસે તેના પર ગુનો દાખલ કર્યો છે.(૧.૧)